પરાવાણી અરિહંત – પરમાત્માનું શાસન આત્મકેન્દ્રિત છે. શાસનની સર્વ વ્યવસ્થાઓના કેન્દ્રમાં ધ્યેય સ્વરૂપ કેન્દ્ર હોય તો તે શુદ્ધ-આત્મતત્ત્વ છે. જે પ્રગટ્યા પછી કોઈ અસ્થિરતા અતૃપ્તિ છે. આકુળતાને અવકાશ રહેતો નથી, સ્થિરતા તૃપ્તિ અને નિરાકુળતાનું સ્વાધીન અને નિરપાધ સુખ ઉદ્ભવે છે… અને દુઃખનો સમૂલ અંત થાય છે… ધર્મ સુખમાં રૂપાંતરિત થવાની કળો છે અને સંસાર એ દુઃખમાં રૂપાંતરિત થવાનો આત્મશ્રાપ છે… ધર્મ-તીર્થની સ્થાપના આત્મસુખમાં પરિણમવા માટેની સુદૃઢ નિમિત્ત વ્યવસ્થા છે… એ સર્વ નિમિત્તોમાં ‘તત્ત્વનો ઉપદેશ’ સર્વશ્રેષ્ઠ છે… તત્ત્વના ઉપદેશથી ૧) ઉપાદાનની જાગૃતિ ૨) નિમિત્તોની આવશ્યકતાનો બોધ. આ બંને થવાથી નિશ્ચય અને વ્યવહારના સમન્વયપૂર્વકનો મોક્ષમાર્ગ પ્રાદુર્ભાવ પામે છે… છેલ્લા ઘણા જ સમયથી ક્રિયા/અનુષ્ઠાન વિ. નિમિત્તોની ભરમાર ખડકાઈ જવા છતાં સરેરાશ ધર્મ-પ્રત્યે રસહાનિ જોવા મળી રહી છે… તેનું કારણ બહારનું ભૌતિક વાતાવરણ તો છે, પરંતુ મુખ્ય કારણ એ છે કે ધર્મના અનુષ્ઠાનો દ્વારા હૃદયમાં તત્ત્વના અંતઃસ્ફુરણાનો જે આનંદ ઉદ્ભવવો જોઈએ તે ઉદ્ભવતો નથી… આનંદના સ્ફુરણ વગર જીવ સ્થિરતા પામતો નથી… ઉલટું શુભ ક્રિયાઓમાં ઉદ્વેગ કરીને ધર્મ પ્રત્યે અનાદર કરવા લાગે છે…
તત્ત્વજ્ઞાન વગર તત્ત્વનું અંતઃસ્ફુરણ થતું નથી અને ત્યાં સુધી આધ્યાત્મિક આનંદની અમૂલ્યતાનું ભાવ પણ થતું નથી, તેથી તે આનંદને સુરક્ષિત રાખનારા પોષનાર – ભક્તિ આદિ અનુષ્ઠાનો જ આજ્ઞામાં પણ નિરસતા ઉત્પન્ન થાય છે… સારાંશ એ છે કે તત્ત્વજ્ઞાન સિવાય ધર્મને અભૌતિક રસથી આસ્વાદ્ય બનાવવાનો બીજો કોઈ વિકલ્પ નથી… અને ધર્મફળ પણ એ જ છે – આત્મ રસાસ્વાદ. તત્ત્વજ્ઞાન દ્રવ્યાનુયોગ રૂપ છે, દરેક પદાર્થ બે અંશ-થી પૂર્ણ હોય છે ૧) અસ્થિર અંશ… ૨) સ્થિર-અંશ… સ્થિર-અંશ તે દ્રવ્ય છે, અસ્થિર અંશ તે પર્યાય છે.
આત્મપદાર્થમાં પણ આ બે અંશ છે… સ્થિરાંશ (દ્રવ્ય) અને અસ્થિરાંશ (પર્યાય) પર્યાય જો દ્રવ્યમાં આત્મનિર્ણયકરીને વિલીન થાય તો તે વાસ્તવિક દ્રવ્યાનુયોગ છે. અને પર્યાય પોતાની અસ્મિતા ઊભી કરવામાં રહે તો સંસાર પણ નિર્માણ પામે… જે આજ સુધી થતું આવ્યું છે.
આત્મદ્રવ્યમાં આત્મનિર્ણય થવો એ જ છે દ્રવ્યાસ્તિક નયની દૃષ્ટિ જે જીવને સાધક અને યાવત્ સિદ્ધ બનાવે છે… આવી સાધકતાનું વાતાવરણ પ્રાંકુરિત થાય એવા એક માત્ર ઉદ્દેશથી ‘પરાવાણી’ સામયિકનું આયોજન થયું છે. આ અધ્યાત્મથી છલોછલ પરાવાણીમાં
૧) આત્મનિષ્ઠ, યોગનિષ્ઠ પ્રાચીન-અર્વાચીન મહાપુરુષોની વાણીનું અવતરણ છે.
૨) જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું પ્રગટીકરણ છે.
૩) સુંદરાત્મ – પ્રભુ પ્રત્યેનું સંમોહન છે.
૪) વર્તમાનમાં વિચરતા આધ્યાત્મિક મહાપુરુષો અને સંયમી વિદ્વાનોની તત્ત્વગંભીર લેખિનીનું આચમન છે.
૫) ન માત્ર ક્રિયાકાંડ અને ન માત્ર શુષ્ક નિશ્ચય પરંતુ દૃષ્ટિમાં નિશ્ચય અને મન વચન કાયામાં વ્યવહારનું ઉદ્બોધન કરતી સંતુલિત શૈલીનું પ્રસ્તવન છે… પરાવાણીમાં નિશ્ચયનો અધ્યાત્મનો ભક્તિનો સંવેદનાનો જિજ્ઞાસાનો શબ્દોકોશનો અને કળાનો રસથાળ પીરસાય છે, જે ખરેખર સાધક છે, એને સંતૃપ્ત કરે છે…