- આત્મા જેટલા અંશે પોતાને ભૂલે છે, પરાશ્રયને અંગીકાર કરે છે, તેટલા અંશમાં શુભાશુભ ભાવવાળો બને છે. તેનું ફળ સંસારભાવ છે.
- આત્મા જેટલા અંશમાં આત્મદૃષ્ટિવંત બને છે, સ્વાશ્રયનું લક્ષ્ય કરે છે તેટલા અંશમાં તે નિર્વિકલ્પ શુદ્ધભાવવાળો બને છે. પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના દર્શનમાં પ્રત્યેક જીવાત્મા દ્રવ્યથી અનાદિનિધન છે, શુદ્ધ છે, નિરંજન છે. જે કાંઈ અશુદ્ધતા છે, તે પર્યાયગત છે, આૈપાધિક છે, મૂળભૂત નથી.
નિશ્ચય દૃષ્ટિથી વિચારતાં નિગોદથી માંડીને સિદ્ધ પર્યતના જીવો શુદ્ધ છે, એકરસ છે, સમ છે, નિર્વિકલ્પ અને નિર્ભેદ છે. सव्वे सुद्धा हु सुद्धनया (સર્વ જીવ શુદ્ધ નયથી શુદ્ધ છે) આ રીતે નિશ્ચય નય કોઈ પણ જાતના ભેદભાવ વિના વિશ્વચૈતન્યને અખંડ પરબ્રહ્મ સ્વરૂપ જુએ છે.. નરમાત્રમાં નારાયણને જુએ છે, પ્રાણીમાત્રમાં પરમાત્મદર્શન કરે છે.
ભગવાનશ્રી મહાવીર સ્વામીજીનો પ્રત્યેક અનુયાયી આ રીતે કરી રહેલ હોય છે. એ માત્ર કલ્પના નથી, પણ સત્યભાવના છે એને આત્મભાવના કહેવામાં આવે છે.
ઉચિત વ્યવહાર અવલંબને,
એમ કરી સ્થિર પરિણામ રે,
ભાવીએ શુદ્ધ નય ભાવના
પાવનાશય તણું કામ રે…
ચેતન જ્ઞાન અજવાળીએ.
દેહ-મન-વચન પુદ્ગલ થકી,
કર્મથી ભિન્ન તુજ રૂપ રે,
અક્ષય-અકલંક છે જીવનું,
જ્ઞાન આનંદ સ્વરૂપ રે…
ચેતન જ્ઞાન અજવાળીએ.
હું એક અખંડ, જ્ઞાયક-ચિત્, ચમત્કાર, ચૈતન્યમૂર્તિ છું. પરાશ્રયથી રહિત એકમાત્ર નિર્દ્વન્દ્વ સ્વાવલંબી જ્ઞાન-સ્વભાવી-અનાદિ અનંત આત્મા છું.
अतते इति आत्मा। સ્વભાવમાં સતત ગતિશીલ, જ્ઞાનશીલ, પ્રાપ્તિશીલ એ આત્મા સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી સત્ છે. મારો એક આત્મા જ મારે માટે ધ્રુવ છે, આધાર છે, આલંબન છે, શરણ છે. હું જ મારો છું. બાહ્ય દૃષ્ટિથી વિવિધ નિમિત્તોના કારણે નાનાત્વ છે, પણ તે આૈપચારિક છે. આંતરદષ્ટિએ જોતાં આત્મા
એક, અભેદ, જ્ઞાયક, શુદ્ધ અને અસંગ છે.
આત્મા જેટલા અંશે પોતાને ભૂલે છે, પરાશ્રયને અંગીકાર કરે છે, તેટલા અંશમાં શુભાશુભ ભાવવાળો બને છે. તેનું ફળ સંસારભાવ છે અને જેટલા અંશમાં આત્મદૃષ્ટિ બને છે, સ્વાશ્રયનું લક્ષ્ય કરે છે, ત્રિકાલ એકરૂપ-ધ્રુવ, જ્ઞાયક રૂપમાં પરિણામ પામે છે. તેટલા અંશમાં તે નિર્વિકલ્પ શુદ્ધભાવવાળો બને છે.
આ રીતે પરાશ્રયી ભાવનાથી મુક્તિરૂપે સ્વાશ્રયી ભાવના છે, આત્મભાવના છે. અને તે જ નિજત્વમાં જિનત્વની ભાવના છે. શ્રી જિનશાસનનો તે મૂલાધાર છે.
આ આત્મભાવના છે, અહંકારથી રહિત શુદ્ધ અહંનો શુદ્ધ બોધ છે. ‘ઈં ફળ વિંફ િંઈં ફળ.’ જ્યાં સુધી સાધક સ્વાશ્રયી અહંનો નિર્મળ બોધ નથી કરતો, ત્યાં સુધી તે નિશ્ચયનયથી મિથ્યાદૃષ્ટિ છે. ત્યાં સુધી તે સ્વતંત્ર સ્વત્વ પર, પૂર્ણ અખંડ વ્યક્તિત્વ પર તેને આત્મવિશ્વાસ જાગતો નથી. અભ્યુદય તેમ જ નિઃશ્રેયસનો તે અધિકારી બનતો નથી. પરમુખપ્રેક્ષણ કરી જગતના દાસરૂપે ઘર-ઘર ભટકે છે.
સ્વાશ્રયીભાવનું દર્શન આંતરિક પુરૂષાર્થને જગાડે છે. એ પુરૂષાર્થ વડે જ મુક્તિલાભ થઈ શકે છે. તે પુરૂષાર્થને જ બળ, વીર્ય, પૌરૂષ, પરાક્રમ આદિ નામોથી સંબોધવામાં આવે છે.
દૃષ્ટિમાં શુદ્ધ નિશ્ચયનો પ્રકાશ ધારણ કરીને પોતાના સ્વત્વને-વ્યક્તિત્વને પૂર્ણતાના બોધથી ભાવિત કરીને જે વ્યવહાર કરવામાં આવે છે, તે જ શુદ્ધ વ્યવહાર છે. કહ્યું છે કે :,
નિશ્ચય દૃષ્ટિ હૃદયે ધરીજી, પાળે જે વ્યવહાર…
પુણ્યવંત તે પામશે જી, ભવસમુદ્રનો પાર…
આ દૃષ્ટિ પરાશ્રયી ભિક્ષુક મનોવૃત્તિનું એક બાજુ મૂલોચ્છેદન કરે છે, ત્યારે બીજી બાજુ બીજાઓ પ્રત્યે સહિષ્ણુ, ઉદાર અને સમબુદ્ધિવંત બનાવે છે.
બીજાના વ્યક્તિત્વને જ્યારે કેવળ વ્યવહાર પક્ષથી જ જોવામાં આવે છે, ત્યારે ઉચ્ચતા-નીચતાનું વૈવિધ્ય નજરે ચઢે છે. શુભાશુભ વિકલ્પોની માયાજાળ પ્રસરે છે, પરસ્પરની ધૃણા અને વૈરભાવ પ્રગટે છે.
શુદ્ધનયનું અધ્યાત્મદર્શન એ જ સર્વવ્યાપ્ત વિષયતામૂલક વિષપ્રવાહનું અમોઘ આૈષધ છે. જ્યારે આપણે પ્રાણીમાત્રમાં ઉપરના દ્વંદ્વોથી મુક્ત અંદર રહેલી ચેતનાનું દર્શન કરીએ છીએ, ત્યારે સર્વત્ર એકરસ, શુદ્ધ, નિરંજન, નિર્વિકાર મૂળ પરબ્રહ્મભાવનો સાક્ષાત્કાર થાય છે. જ્યાં એકતા, એકરૂપતા અને સમતા જ રહેલી છે અને વિષમતા, ઘૃણા, વૈર અને દ્વંદ્વનો સર્વથા અભાવ છે.
જે કંઈ ભેદ છે, વૈષમ્ય છે, તે સર્વ આૈપચારિક-આૈપાધિક છે. આત્માના મૂળમાં તેનું લેશમાત્ર અસ્તિત્વ નથી. જે ઉપચાર છે, તે આરોપિત છે અને જે આરોપિત છે તે શુદ્ધસાર્વભૌમજ્ઞાન ચેતનાના પરિણામથી દૂર કરી શકાય છે.
જ્યારે આપણે વિષમતાને મૌલિક માનવાનો ઈન્કાર કરી દઈએ છીએ, ત્યારે તે વિષમતા પોતાની મેળે જ મટી જાય છે. આ રીતે ભગવાન શ્રી મહાવીર સ્વામીજીનું અધ્યાત્મ દર્શન પ્રત્યેક વ્યક્તિની નૈશ્ચયિક શુદ્ધતા અને સ્વતંત્રતાનું પ્રતિપાદન કરે છે, તેના પરિણામે સમસ્ત ચૈતન્ય જગતમાં એકરસતા અને સમત્વની સ્થાપના થાય છે.