|| અર્થાત આત્મજિજ્ઞાસા || મંગલ સંવેદના
“રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે ભાંગે સાદિ-અનંત…”
અંતરિયાળ વિસ્તાર, વર્ષો પહેલાનો સમય! વરસાદ ચાલુ હતો. નદીનો પ્રવાહ જોશમાં હતો. બાપ-દીકરો નદી-કાંઠે આવી પહોંચ્યા… પટ ટૂંકો હતો, પાણી ઝાઝું ઊંડું ન હતું. સામે કિનારે જવું જરૂરી હતું. ફક્ત પ્રવાહ વેગીલો હતો. બાપે દીકરાને કહ્યું : “બેટા! મારો હાથ પકડી લે.”
“ના પપ્પા! હું આપનો હાથ નહીં પકડું.”
“તો નદી કેમ ઓળંગીશું? તું નાનો છે, પ્રવાહ વેગવંતો છે, તણાઈ જઈશ તો? ”
“પપ્પા! એટલે જ કહું છું : હું આપનો હાથ નહીં પકડું, આપ મારો હાથ પકડી લો!”
“બધું સરખું જ છે ને દીકરા!”
“ના પપ્પા! હું આપનો હાથ પકડીશ તો ક્યારે છોડી દઈશ – તે ખબર નથી. રસ્તામાં ચકમકતો પથ્થર દેખાશે ને, તો’ય હું આપનો હાથ છોડી દઈશ.. પરંતુ આપ જો મારો હાથ પકડશો તો ગમે તેવી આપત્તિમાં મારો હાથ છોડશો નહીં, મને છોડવા દેશો પણ નહીં!
પપ્પા! હું હાથ પકડી લઉં છું, પરંતુ પકડી રાખી શકતો નથી. આપ હાથ પકડો છો તો પકડીને જ રાખો છો…!!”
આનંદઘનજી મહારાજ આ જ કહી રહ્યા છે ને?
પ્રભુ આપણો હાથ પકડશે તો અનંત કાળ સુધી છોડશે નહીં, મોક્ષ સુધીનો જ નહીં, અનંત કાળનો સાથ નિભાવે છે, પરમાત્મા! અને પરમાત્મા સાથે હોય પછી મોહનું સૈન્ય પાણી ભરે છે, ભવાટવીની તકલીફો ને ભવસાગરની દુસ્તરતા – બધું જ નગણ્ય લાગે છે,
’’अद्य त्रिलोकीतिलक! प्रतिभासते मे संसारवारिधिरयं चुलुकप्रमाणः।।’’
વિશ્વવત્સલ પ્રભુના ચરણોમાં આજે સંવેદના મૂકવી છે. આ ખરી સંવેદના છે, કારણ કે સાચી વેદનામાંથી જન્મી છે. સમ્યક્-સાચી વેદના એ જ સંવેદના છે. આજે ભીતરમાં આવી જ વેદના છે! પ્રભુ! મારાથી વધુ દુઃખિયારો આ જગતમાં કોઈ નથી!
પ્રભો! ક્રોધની ભઠ્ઠીમાં સેકાઈ રહ્યો છું, અહંકારના મેરુ તળે કચડાઈ રહ્યો છું, માયા-કપટના અજગરો મને રુંધી રહ્યા છે, મારી પ્રામાણિકતા રુંધાઈ રહી છે, લોભસાગરમાં ડૂબી રહ્યો છું, ગળચિયા ખાઈ રહ્યો છું, સંતોષનો શ્વાસ દોહ્યલો થઈ ગયો છે, ભવમંડપમાં પુદ્ગલો મને નાચ નચાવી રહ્યા છે, સારા પુદ્ગલો રાગથી મને પાગલ કરી મૂકે છે, બીજા પુદ્ગલો દ્વેષથી મને અકળાવી મૂકે છે.
સ્વતંત્ર ચૈતન્ય શક્તિસંપન્ન હું આજે પ્રભુ! જડનો ગુલામ છું. જડ નચાવે તેમ નાચું છું…
- રૂપ પાછળ દૃષ્ટિ પાગલ છે…
- રસ પાછળ જીભ પાગલ છે…
- શબ્દ-ગંધ પાછળ કાન અને નાક પાગલ છે…
અને હું? હું બેહોશ છું, મૂઢ છું!
કૂતરો મોઢામાં પેશાબ કરી જાય અને એને અમૃત માની બેસતા શરાબી કરતા પણ બદતર હાલત મારી છે.
હે કરુણાવત્સલ પ્રભુ! આજે ભીતરમાં હલચલ છે. સદ્ગુરુઓનો ઉપદેશ છે, તારી કૃપા છે… અને એટલે જ ભીતરમાં સમ-સાચી વેદના, દોષોની વેદના પ્રગટી છે… સંવેદના જાગી છે…
પ્રભુ! આંધળો છું, તો’ય ભવાટવી પાર ઉતરવી છે,
હવે આ જંગલમાં વધુ નથી ભટકવું…
પાંગળો છું, તો’ય ભવસાગર તરવો છે,
હવે આ ખારા સાગરમાં વધુ વાર ડૂબવું નથી…
હે આનંદસાગર! આજે તારું નામ સંભળાય છે
અને ભીતરમાં શ્રદ્ધા પ્રગટે છે.
તારું દર્શન થાય છે ને અંતરમાં અજવાળા રેલાય છે.
પ્રભો! આપની સાથે આખું જીવન પસાર કરવાનું છે. ઘણો લાંબો પંથ છે. વિકટ વન છે તે છતાં તે અંગે મને કોઈ જ ભય નથી, કારણ કે તું મારી સાથે છે, પરંતુ પ્રભો! તારા સુધી પહોંચવાના આ સો ડગલા ભરતા મને નવનેજે પાણી ઉતરી જાય છે. તારી સાથે આખું વન ઊતરી જવું મારા માટે સરળ છે, પરંતુ તારા વિના સો ડગલા પણ સાચી દિશામાં મારાથી મંડાતા નથી.. હે કરુણાનિધાન! મારી મૂર્ખામીની અને મૂઢતાની હદ તો એ છે કે – એક ડગલું હું ભરું ને તું 99 ડગલા ભરીને સામે ચડીને મારો હાથ ઝાલવા આવે તેમ છે – તેવું જાણવા છતાં તારા તરફ એક ડગલું પણ મેં આજ સુધી ભર્યુ નથી. પરંતુ પ્રભુ! હવે ડગલું ભરવું છે… આ મારો સંકલ્પ છે, પ્રણિધાન છે, ભાવના છે અને ઈચ્છા છે!!
’’बंधेण न बोलइ कयाइ…’’ આ સત્ય છે. · ’’રીઝ્યો સાહિબ…’’ “આ સંવેદના છે”.
સ્વરૂપાનુભૂતિ – સ્વનો અપરોક્ષ અનુભવ થયા પછી, નિશ્ચય સમ્યગ્ દર્શન પ્રાપ્ત થયા પછી જીવ કદાચિત્ મિથ્યાત્વે પહોંચી જાય.
અનંતકાળ રખડે, તો પણ 1 કોટા-કોટી જેટલો કર્મબંધ કદાપિ તે કરી શકે નહીં… – આ શાસ્ત્રવચન છે. જાણે! જીવ પાપ કરવા માંગે તો’ય પ્રભુ તેવું પાપ કરવા દે નહીં! કારણ કે પ્રભુએ હાથ ઝાલ્યો છે… હવે છોડવા માંગો તો પણ પ્રભુ છોડે નહીં – છોડવા દે નહીં.. પ્રભુ સાથેના સંબંધને આદિ હોય છે, અંત નહીં! આદિ – અનંત!
જિજ્ઞાસા : “રીઝ્યો સાહિબ!’ શા માટે કહેવામાં આવ્યું? શું પ્રભુ રીઝે ખરા? શું પ્રભુ રીઝે તો જ હાથ પકડે? પ્રભુ સામે ચાલીને હાથ ન ઝાલે? (ક્રમશઃ)