પ્રભુ! મને આશા હતી રાજવી સુખની,
પણ આશા અધુરી રહી ગઈ.
છતાંય હું નિરાશ નથી જ થયો.
કારણ કે આપે મને રાજ્યાતીત સુખનો સ્પર્શ કરાવી આપ્યો.
ઈન્દ્રિયોના અનુકૂળ વિષયો ન રહ્યા
પણ અનુકૂળ વિષયો મેળવવાની અભીપ્સા પણ ઓઝલ થઈ ગઈ
એ આપના ઉપનિષદનો અદ્વિતીય પ્રભાવ મને અનુભવાયો.
હું ભલે પાણીના પ્રવાહની જેમ નીચે ઉતરતો રહ્યો,
પણ આપે મને ઊંચકી લીધો.
હું આત્માને ભૂલીને શરીરને સાચવતો રહ્યો,
સ્વને ભૂલીને પરનું ભલું કરતો રહ્યો..
પણ આપે મને માતૃત્વની વાત્સલ્યધારામાં વહાવીને
સ્વ-પરની મધુર સમજણ આપી.
જ્ઞાયકભાવની પરિધિમાં મને પ્રવેશ કરાવી આપ્યો.
સાક્ષીભાવનો સંગીન વેષ મને પહેરાવી આપ્યો.
સિદ્ધિનો સાચો સેતુ રચાવી આપ્યો.
‘હું કોણ છું’ એનો સત્ય પરિચય કરાવી આપ્યો.
હું ‘હું’ ન રહ્યો,
‘તારા’ મય બની ગયો.
તારા આ અનંત ઉપકારના પ્રતિસાદરૂપે
તારી અનહદની યાત્રાના અંતહીન સંગાથી બનવાનું
હું પ્રતિવચન આપું છું.