જિજ્ઞાસુ દયાનંદ સત્યની શોધમાં હતો. જિજ્ઞાસા ભાવે સંતોનો સમાગમ કર્યા કરે… પરંતુ જિજ્ઞાસા તૃપ્ત થતી નથી. જિજ્ઞાસા જેટલી બળવત્તર તેટલી શોધ બળવત્તર…
દયાનંદ અલગ અલગ સંતોના આશ્રમમાં ફર્યા કરે. સત્ય શું છે! સત્યને પામવાનો માર્ગ શું છે! સત્ય તત્ત્વની અનુભૂતિ શું છે? આવી એક પ્યાસ અંતરમાં સતત ઘૂંટાઈ રહી હતી…
એક વાર એક સંતના આશ્રમના પગથિયા ચઢી રહ્યો હતો. અંદર બિરાજિત સંતને કોઈનો પગરવ સંભળાયો, ત્યાં બેઠા બેઠા જ સંતે જોશથી પૂછ્યું – કોણ છે ?
દયાનંદે કહ્યું, સ્વામીજી! એ જ તો જાણવા આવ્યો છું… જે જાણવાનું છે, ને જેને માણવાનું – અનુભવવાનું છે ને જેનાથી જાણવાનું છે તેમની પાસે આવ્યો છું. કૃપા કરો સ્વામીજી!
પ્રભુ કૃપાથી મળેલ જીવન અને શાસન આત્માનુભૂતિ માટે જ છે. અનુભૂતિનો આનંદ એ જ પરમ સુકૃત છે જીવનનું.
સ્વરૂપનો બોધ-સ્વરૂપની શ્રદ્ધા અને સ્વરૂપાનુભૂતિ માટે જાગૃતિ એ જ સાધના છે. “હું’ આ જ છું – હું સચ્ચિદાનંદ સ્વરૂપી જ છું. આ શ્રદ્ધા અને આ બોધ એ અનુભૂતિનો માર્ગ છે. આવા માર્ગ પર ચાલવા માટે આલંબન પણ સક્ષમ જોઈએ. સ્વરૂપના બોધ માટે વારંવાર ત્રણ આલંબનોમાં જવું જોઈશે.
ત્રણ આલંબન છે – પ્રભુ, શાસ્ત્ર અને ગુરુ.
(1) પરમાત્માનું આલંબન :
પૂજ્યપાદ અધ્યાત્મ સમ્રાટ ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજી મહારાજાએ પરમાત્માને શ્રેષ્ઠ આલંબન રૂપે કહ્યા છે. શ્રી સંભવનાથ પ્રભુ સ્તવનમાં ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ, પુષ્ટ આલંબન છે પરમાત્મા…
પરમાત્મા એટલે પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ એ પુષ્ટાલંબન છે. પ્રભુમાં પ્રગટેલી વીતરાગતા, નિર્વિકલ્પતા, નિરામયતા, અનંત આનંદ, અનંતશક્તિ, આદિ અનંતકાલ સુધી ઉપયોગની સ્વમાં સ્થિરતા, સમાધિરસ નિમગ્નતા સ્વરૂપ પ્રભુનું દર્શન-સ્મરણ-ચિંતન એ સ્વરૂપના પ્રગટીકરણ માટે શ્રેષ્ઠ આલંબન છે.
આવું તાત્ત્વિક અને સ્વાભાવિક પ્રભુનું દર્શન કઈ રીતે આત્માનુભૂતિમાં લઈ જાય છે તેની ભીતરી સંઘટના સમજાવતા પૂજ્યપાદ દેવચંદદ્રજી મહારાજે આગળની પંક્તિમાં અદ્ભૂત ઉઘાડ આપ્યો છે.
“ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ’
આત્મા પોતે ઉપાદાન છે ને પરમાત્મા એ ઉપાદાનમાં થતી અનુભૂતિ માટે પુષ્ટ આલંબન છે. ઉપાદાનનો અર્થ એ છે કે જેમાં કાર્ય સંપન્ન થવાનું છે. આત્માનુભૂતિ રૂપ કાર્ય અને આગળ આત્મસ્વરૂપ રમણતા રૂપ કાર્ય ઉપાદાનમાં પ્રગટ થવાનું છે. આવા કાર્યને પ્રગટ કરવાની યોગ્યતા દરેક ભવ્ય જીવોમાં રહેલી જ છે. એટલે આનંદની વાત તો એ છે કે આપણામાં પણ સ્વાનુભૂતિ ને સ્વરૂપ-રમણતાની યોગ્યતા પડેલી જ છે. જરાય હતાશ કે નિરાશ ન થશો. મારામાં ક્યાં આવી યોગ્યતા છે આવી નિરાશા મનમાં કે વચનમાં લાવવાની કોઈ જરૂર નથી. યોગ્યતા છે જ. ભવ્ય જીવોને આવી યોગ્યતા અનાદિકાળથી છે જ. હવે આ અનાદિ પ્રાપ્ત યોગ્યતા અનુભૂતિરૂપ કાર્ય પ્રગટે તે સ્વરૂપે તૈયાર થવી જોઈએ અને આ પ્રગટ થવા યોગ્યતા એ જ ઉપાદાનમાં કારણપણાનું પ્રગટીકરણ છે.
આત્માનું ત્રૈકાલિક શુદ્ધ સ્વરૂપ અનાદિ અનંતકાળ તેવું ને તેવું જ રહે છે. અનુભૂતિ માટેની યોગ્યતા પર્યાયમાં પ્રગટ થાય છે. કારણ કે અનુભૂતિ પર્યાયમાં જ થવાની છે. અનુભૂતિરૂપ કાર્યનું પ્રગટીકરણ જે પર્યાયમાં થવાનું છે તેને માટે ઉપાદાનનું તૈયાર થવું તે ઉપાદાનનું કારણપણું છે. પરંતુ આ ઉપાદાનમાં આવું યોગ્યતારૂપ કારણપણું પ્રગટ થવામાં નિમિત્તરૂપે છે પરમાત્માના સ્વરૂપનું આલંબન. માટે પૂ. દેવચંદ્રજી મ. એ કહ્યું છે કે “ઉપાદાન કારણપણે પ્રગટ કરે પ્રભુ સેવ.’
પ્રભુના સ્વરૂપના આલંબનની આ પ્રક્રિયા પૂજ્ય દેવચંદ્રજી મહારાજે 9મા સુવિધિનાથ પરમાત્માના સ્તવનમાં ખોલી છે.
દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો હો લાલ!
ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ!
પ્રભુના ગુણ સંપદાના દર્શન કરીને તેમાં ઉપયોગને કરીને અર્થાત્ પ્રભુ ગુણના અગાધ સાગરમાં ડૂબકી મારીને ભક્ત હવે સાધકતા તરફ ઝૂકે છે.
પ્રભુનાં ગુણદર્શનથી નિજગુણ દર્શનમાં છલાંગ લગાવે છે. પ્રભુનાં સ્વરૂપને જોતાં જ મોહનીયના કર્મના ક્ષયોપશમથી એક એવો પ્રકલ્પ પ્રગટે છે કે આવું જ મારું સ્વરૂપ છે.
’जो ही है रूप तेरा वो ही है मेरा’
નિરંજન, નિરાકાર, નિર્વિકાર, નિર્વિકલ્પ, નિર્ભીક, નિઃસંગ, નિષ્ક્રિય, નિર્મળ, નિષ્કલંક, અખંડ જ્યોતિ સ્વરૂપ હું છું. આવું “હું’ નું ભાન “હું’ની ઓળખ પ્રભુનાં દર્શને સાધકને પ્રાપ્ત થાય છે.
પ્રભુ ગુણરાગ પ્રગટ્યો એ જ પ્રભુની ઉપકારિતા છે. ને એ ગુણાનુરાગથી સ્વરૂપ તરફનો અનુરાગ પ્રગટે તે પ્રભુની મહાઉપકારિતા છે. આ જ શ્રેષ્ઠ કોટિનો ઉપકાર છે. સ્વરૂપ તરફનો અહોભાવ એ જ અનુભૂતિનું બીજ છે. પૂ. દેવચંદ્રજી મ. ચોથા અભિનંદન સ્વામી પ્રભુના સ્તવનમાં કહે છે.
જિમ જિનવર આલંબને વધે સઘે એક તાન હો મિત્ત, તિમ તિમ આત્માલંબની ગુહે સ્વરૂપ નિદાન હો મિત્ત…
પ્રભુનો અહોભાવ, સ્વરૂપના અહોભાવમાં ઢળે છે ને સ્વરૂપનો શ્રેષ્ઠ અહોભાવ અનુભૂતિનું બીજ બને છે. શ્રેષ્ઠ આલંબન છે પરમાત્મા…
(2) શાસ્ત્ર આલંબન :
પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીના જ્ઞાનસારમાં…
शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम।
नान्योहं न ममान्ये चेत् यदो मोहास्त्रमुल्बणम् ।।4.2।।
શુદ્ધ આત્મદ્રવ્ય એ જ હું, શુદ્ધ જ્ઞાનાદિ ગુણો એ જ મારા. અન્યમાં હું પણું નહીં, અન્યમાં મારાપણું નહીં. અન્યમાં હું અને મારાપણું તો મોહ છે.
शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञानं गुणो मम
આ પંક્તિ સ્વની શ્રદ્ધા અને સ્વના બોધમાં લઈ જતી પંક્તિ છે. “હું આ જ છું’, “આ જ મારું છે’… ને આગળનાં અડધા શ્લોકને વિચારતાં લાગે છે કે એ પંક્તિ પ્રતિપળ જાગૃતિ માટેની છે. ‘ણળધ્રૂળજ્ઞઽર્વૈ ણ પપળધ્રૂજ્ઞ’ પૂજ્ય ઉપાધ્યાયજી મ.સા. એક જ શ્લોકમાં આખા સ્વરૂપની સાધના ઘૂંટવાની ચાવી પણ આપી દીધી છે.
આપણે ત્યાં રોજ સંથારા પોરિસી પૌષધમાં ને સાધુ-સાધ્વીજી ભગવંતો ભણાવે છે સાંજના પ્રતિક્રમણ બાદ. તેમાં પણ અદ્ભૂત નિશ્ચય સાધના સૂત્રો – “હું’ને ઘૂંટવાના આપ્યા છે.
एगोऽहं नत्थि मे कोई नाहं अन्नस्स कस्सइ।
एवं अदीणमणसो अप्पाणं अणुसासइ।।
અદીન મનથી હું એક જ છું, અન્ય (પર) કોઈ મારું નથી. પરનો હું નથી. આવી રીતે આત્માનુશાસન કરે. આ આત્માનુશાસન એ જ અનુભૂતિમાં લઈ જતી પગદંડી છે.
શ્રી ગોવિંદાચાર્યજી આચારાંગસૂત્રનો સ્વાધ્યાય કરતાં કરતાં અનુભૂતિના માર્ગે આવ્યા. ને એ જ રીતે શ્રી ઉપમિતિ ભવપ્રપંચાકથાના રચયિતા શ્રી સિદ્ધર્ષિ મહારાજ શ્રી લલિતવિસ્તરા ગ્રંથમાં પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિ મહારાજના વચનો વાંચતા વાંચતા માર્ગ પર સ્થિર થયા.
પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્યજીએ પણ કહ્યું છે –
जो जाणइ अरिहंते दव्वगुणपज्जवेहिं
सो जाणई निज अप्पा मोहो खलु तस्स गमई लयं…
જે પરમાત્માને દ્રવ્ય-ગુણ-પર્યાયથી ચિંતવે છે, ધ્યાવે છે તે સ્વ આત્માને પણ દ્રવ્ય-ગુણ-પર્યાયથી જાણે છે.
આવા આવા શાસ્ત્રીય સાધનાસૂત્રો આત્મશ્રદ્ધા અને આત્મબોધ દ્વારા પ્રતિપળ જાગૃતિમાં લઈ અનુભૂતિના દ્વાર બને છે.
ચાલો આપણે સાધના સૂત્રોને શાસ્ત્રના આલંબને ઘૂંટી ચૈતન્યતીર્થની યાત્રાએ જઈએ. આનંદની યાત્રા છે આ…
પરાવાણીના માધ્યમે આ સ્વાધ્યાયને ઊંડાણથી જાણીએ…