દેવચંદ્રજીકૃત સુવિધિનાથ જિન સ્તવન
दीठो सुविधि जिणंद,
समाधि रसें भर्यो, हो लाल ।।स.।।
भास्योआत्म स्वरूप,
अनादिनो वीसर्यो, हो लाल ।।अ.।।
सकल विभाव उपाधि,
थकी मन आेसर्यो, हो लाल ।।थ.।।
सत्ता साधन मार्ग,
भणी ए संचर्यो, हो लाल ।।भ.।। ।।1।।
અર્થ :- સાધક આત્મા મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલા વીતરાગ પ્રભુના દર્શનથી અત્યંત હર્ષિત બની તેમની પ્રભુતાની સ્તુતિ કરતાં કહે છે – “સમાધિ રસના ભંડાર શ્રી સુવિધિનાથપ્રભુની પ્રશાંત મુદ્રા જોવાથી અનાદિકાળથી ભુલાયેલા મારા આત્મસ્વરૂપની મને ઓળખાણ થઈ. સર્વ પ્રકારના રાગ-દ્વેષાદિ વિભાવ ભાવો તથા બાહૃા એવા ધનધાન્યાદિ ઉપાધિથી મારું મન નિવૃત્ત થયું અને આત્મસત્તાની સાધનાના માર્ગરૂપ સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ ચારિત્રમાં પ્રવૃત્ત થયું.
વિવેચન : અનાદિકાળથી સંસારમાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના યોગે અવિરતપણે ભટકતાં કોઈક જીવને વીતરાગ પરમાત્માની અચિંત્ય, અલૌકિક પ્રભુતા કે જે ભાસ્યમાન થઈ નહોતી, ખ્યાલમાં આવી ન હોતી, તેવા જીવને ભવસ્થિતિનો પરિપાક થયો, કોઈક મહાન પુણ્યોદયે કાળલબ્ધિ પરિપક્વ બની એના કારણે પરમાત્મા કોણ છે? કેવા છે? તેનું સ્વરૂપ શું છે? એનો કોઈ જ ખ્યાલ જેને નહોતો એવા કોઈક જીવને સુવિધિનાથ-પ્રભુની અનંત, સમાધિરસથી ભરેલી મુદ્રાને જોવાનો અવસર સાંપડ્યો. તેને નિહાળતાં જ પ્રભુની અનંત ગુણમય, અરૂપી નિર્વિકાર, નિરાકાર, નિરામય,અક્રિય, શાંત, પ્રશાંત, ઉપશાંત, નિર્લેપભાવે પરિણત મુદ્રાને નિહાળતાં જ તેના અંતરમાં આનંદનો મહાસાગર ઊછળ્યો. દ્રવ્ય સ્વભાવની ઓળખ થઈ. તેના દ્વારા અનાદિકાળથી પોતાનું જે શુદ્ધ સ્વરૂપ ભુલાઈ ગયું હતું તે શ્રદ્ધાન રૂપે પરિણમ્યું. મારું શુદ્ધ સ્વરૂપ પણ આવું જ છે. સ્વરૂપ દ્રષ્ટિથી જોતાં પ્રભુમાં અને મારામાં કોઈ જ ભેદ નથી, એક જ છે. એ દ્રઢ નિશ્ચય નિર્ણય થયો, તેના કારણે વીતરાગ પ્રભુનો ઉપકાર સમજાયો. પ્રભુની પ્રભુતાનું યથાર્થ મૂલ્યાંકન થયું તેથી ભીતરમાં અત્યંત હર્ષોલ્લાસ જાગવાથી, આશ્ચર્ય અને ઉત્સાહના અતિરેકથી બુલંદ અવાજે બોલે છે… દીઠો, દીઠો સુવિધિ જિણંદ… મેં સુવિધિનાથપ્રભુને જોયા-જોયા પ્રભુ જેવા છે તેવા મેં જોઈ લીધા, ગાંડો થઈ ગયો. પ્રભુ સમાધિરસમાં ડૂબેલા છે; સમાધિરસના પુંજ રૂપે પ્રભુનાં દર્શન કર્યા. અસંખ્ય પ્રદેશી એવા પરમાત્માના એક એક પ્રદેશે સમતારસ-સમાધિરસ ઠાંસી-ઠાંસીને ભરેલો દેખાયો.
પ્રભુની પ્રભુતા, આપણને પ્રભુના દર્શન કરતાં આવડે તો આપણામાં પણ તેવી જ સમાધિરસ નિમગ્ન પ્રભુતા રહેલી છે તેનું ભાન કરાવે છે. આ જ પ્રભુનો આપણા ઉપર ઉપકાર છે. ચિત્ત પ્રભુના ગુણો પ્રત્યે ઉલ્લસિત થયું એટલે હું પણ આવી પ્રભુતાને પામું એવો ભાવ ઉલ્લસિત થયો.
અત્યાર સુધી આપણે પ્રભુના દર્શન ચર્મચક્ષુથી જ કર્યા છે અને તેના દ્વારા સંસારને લીલોછમ રાખવાનો પ્રયત્ન કર્યો છે; સંસારની દરેક ચીજની અનુકૂળતામાં જ આપણે પ્રભુની પ્રભુતા માની છે! સમાધિ રસના પુંજ રૂપે પ્રભુને ક્યારેય જોયા નથી, શ્રદ્ધા કરી નથી. આપણી સંસાર દ્રષ્ટિ અને સાંસારિક બુદ્ધિ પ્રમાણે જ આપણે પ્રભુને મૂલવ્યા છે. આમાં અનંતકાળ પસાર થઈ ગયો! મામૂલી પુણ્ય બંધાયુ પણ ચારગતિનાં ભયંકર દુઃખો, જન્મ-મરણની કાતિલ વેદના આ બધું ટળ્યું નહિ. જે આજે પણ આપણે અનુભવી રહૃાા છીએ.
પ્રભુની પ્રભુતાને નીરખવા માટે સાધનાકાળ દરમ્યાન સ્વરૂપમાં લીન થયેલા રૂપે પ્રભુને જોવાના છે. જ્ઞાન તો ખરેખર તે કહેવાય કે જે આનંદમાં ડૂબકી મરાવે અને આખા જગતની ઉપેક્ષા કરાવે. જ્યાં સુધી કરવા રૂપે જ પ્રભુ દેખાય છે, ઠરવા રૂપે દેખાતા નથી ત્યાં સુધી પ્રભુની સમાધિરસ નિમગ્નતા આપણને નહિ સમજાય. પ્રભુએ સાધનાકાળ દરમ્યાન કાંઈ જ કર્યુ નથી ફક્ત સ્વરૂપમાં લીન બન્યા છે એટલે જ જે આવ્યા તેને ઉપસર્ગ કરવા દીધા. બીજા શું કરે છે? અથવા બીજાએ શું કરવું જોઈએ? તેના પર પ્રભુએ ઉપયોગને જવા દીધો જ નહિ. પરમાત્માના આલંબન વિના, પરમાત્મ સ્વરૂપની શ્રદ્ધા વિના, પરમાત્મ સ્વરૂપનું ઉપયોગમાં નિરંતર ચિંતવન કર્યા વિના, મોક્ષે જવાશે નહિ. આત્મકલ્યાણ થશે નહિ.
અનંત ભુતકાળમાં જીવે વીતરાગને એના સાચા સ્વરૂપમાં ઓળખ્યા નહોતા. અનાદિ કાળની વાસનાથી વાસિત થયેલો એવો તે જીવ કુદેવને દેવ બુદ્ધિથી માનતો હતો અથવા તો સુદેવને જગતના કરનારા, ભૌતિક સુખોને આપનારા છે એવી બુદ્ધિથી માનતો હતો માટે એને વીતરાગની વીતરાગતા દ્રષ્ટિગોચર થતી ન હોતી.
આત્મગુણોનું વિપરીત પ્રવર્તન અનાદિકાળથી ચાલી રહૃાું છે તે ઉપાધિ છે અથવા તો વિષય-કષાયાદિ રૂપે જે પ્રવર્તન થઈ રહૃાું છે તે ઉપાધિ છે અથવા તો ક્રોધ, માન, માયા, લોભ, ઉદ્ધતપણું, વક્રપણું, જડપણું, આગ્રહ, પકડ, વગેરે પરિણામ તે સર્વ વિભાવ પરિણામ હોવાથી તે પણ ઉપાધિ છે. તે પરિણામ નિવૃત્ત થયે છતે આત્માના સઘળા ગુણો ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, આૈદાર્ય, મૈત્રી, પ્રમોદ, કરૂણા, વાત્સલ્ય, વગેરે સ્વરૂપ અનુયાયી થયા તેનાથી ઉપયોગ સ્વરૂપમાં તત્ત્વથી સ્થિરતાને પામ્યો અને તેવા સમાધિરસમાં નિમગ્ન – તરબોળ પ્રભુને જોયા.
પ્રભુનું સ્વરૂપ અને મારું સ્વરૂપ એક જ છે એવો દ્રઢ નિર્ણય અનુભવપૂર્વકનો થાય ત્યારે તે આત્માને વીતરાગ પરમાત્માનો ઉપકાર સમજાય છે અને ત્યારે એના જે ઉદ્ગારો હોય છે તે કલ્પના બહારના હોય છે. સદ્ગુરુના ઉપદેશથી જીવ ગ્રંથિભેદ કરી સમ્યગ્દર્શન પામે છે તે વખતે તેના આત્માના અસંખ્ય પ્રદેશે આનંદ-આનંદ-આનંદની છોળો ઊછળે છે. પોતાને સમ્યગ્દર્શન પમાડનાર સદ્ગુરુના ઉપકારનો બદલો કોઈ રીતે વાળી શકાય તેમ નથી એટલે તે તેની અનન્યભાવે શરણાગતિ સ્વીકારે છે. તેની આખી સિકલ બદલાઈ જાય છે પછી એનો સંસાર ફીક્કો પડી જાય છે. આકર્ષણ તૂટી જાય છે. પોતાના ઘરનો અનંત વૈભવ દેખાતા તેના દયમાંથી અહો! અહો! અહો! ના ઉદ્ગારો નીકળી પડે છે અને પોતાના ગુરુ પ્રત્યે પ્રાણ ન્યોછાવર કરવા પણ તૈયાર થાય છે.
આ સ્થિતિનો અનુભવ પૂ.પાદ શ્રીદેવચંદ્રજી મહારાજને થયો હતો, એને કારણે જ એમના મુખમાંથી વીતરાગ રસ ઝરતી અનંત આનંદમય પરાવાણી સહેજાસહેજ નીકળી પડી હશે એમ કલ્પના કર્યા વિના રહી શકાતું નથી.
મોહનીય કર્મના નાશે પ્રશાંત રસ આનંદવેદન પ્રગટે છે. જ્ઞાનાવરણીય કર્મના નાશે અખંડ રસ આનંદ વેદન પ્રગટે છે. અંતરાયકર્મના નાશે અનંતરસ આનંદ વેદન પ્રગટે છે.
આ ત્રણેના ભેગા મળવાથી અર્થાત્ આ ત્રણેનું એકત્વ એ કેવલી અને સિદ્ધોનું સહજાનંદીપણું છે. આવો આનંદ કેવલી ભગવંતો અને સિદ્ધ ભગવંતો પ્રતિપળે અનુભવી રહૃાા છે. જગતનો કોઈ પદાર્થ એમની પાસે નથી છતાં ઉત્કૃષ્ટ આનંદ અનુભવી રહૃાા છે. આવો આનંદ સાદિ અનંતકાળ સુધી તેઓ અનુભવશે. આવો આનંદ આપણા ખજાને પડ્યો છે એને આપણે ભૂલી ગયા છીએ અને એને કારણે જ વૈષયિક સુખોની ભીખ માંગી ચારગતિમાં ભટકી રહ્યા છીએ.
ભગવાન એ માધ્યમ છે તે નિશ્ચયથી જોતાં તો કશું આપતાં નથી તેમ કશું લેતા નથી. પ્રભુ એની પ્રભુતામાં ડૂબ્યા છે પણ સાધકને એ પ્રભુતા ઓળખાવાથી પોતાની ભીતરમાં વીર્યોલ્લાસ વધે છે. સાડાત્રણ ક્રોડ રૂંવાડા ખડાં થઈ જાય છે ત્યારે એનો ભક્તિભાવ એટલો પરાકાષ્ઠાએ પહોંચે છે કે એનું રીસાઈ ગયેલું પુણ્ય તત્કાળ ઉદયમાં આવી ફળ આપે છે.
એ ઉદયમાં માધ્યમ પ્રભુ બન્યા માટે ઉપચારથી પ્રભુએ આપ્યું એમ કહેવાય.