सुन्न-कल-जोई-बिंदू, नादो तारा लओ लवो मत्ता।
पय-सिद्धी परमजुया झाणाई हुंति चउवीसं।।
“ધ્યાન-વિચાર” કોના આધારે લખાયો છે તે તો આગમધરો જાણે, પણ છે અદ્ભુત! પક્ખિસૂત્રમાં બોલાતા “ઙળઞરુમધરુણ્ળ’ જેવા કોઈ ગ્રન્થમાંથી ઉદ્ધૃત થયેલો હોય, એવું લાગે છે.
ખાસ કરીને પૂ.પં. ભદ્રંકરવિજયજી મ.ની પ્રેરણાથી જ આ ગ્રન્થનો અભ્યાસ શરૂ કરેલો. તે પત્ર પુસ્તકમાં પ્રકાશિત પણ થયેલો છે.
આગમિક ગ્રન્થ આપણી પાસે પડેલો (પાટણ, હેમચન્દ્રસૂરિ જ્ઞાનભંડાર) હોવા છતાં આપણી નજર નથી ગઈ તે આશ્ચર્ય છે. સૌ પ્રથમ મુનિ જંબૂવિજયજી દ્વારા અનુદિત થઈને તથા ધર્મધુરંધરવિજયજી દ્વારા સંપાદિત થઈ મૂળ પાઠ સાથે સાહિત્યવિકાસ મંડળ દ્વારા પ્રકાશિત થયેલો.
મને આ અંગે તીવ્ર રુચિ હતી. એ પછી એમની (પૂ.પં.મ.) નિશ્રામાં જ રહીને જે લેખન-ટાંચણ થયું છે, તે આ ગ્રન્થરૂપે બહાર પડેલો છે. પણ એક વાત કહી દઊં : માત્ર વાંચન-શ્રવણથી નહિ ચાલે, તે જીવનમાં ઊતારીશું ત્યારે તેની ઝલક જોવા મળશે.
મૂળપાઠ સાવ નાનો છે. અહીં બેઠેલા તમામ મુનિઓ વધુમાં વધુ અઠવાડીયામાં કંઠસ્થ કરી દે એટલો નાનો છે. એટલે કંઠસ્થ કરવો કોઈ મોટી વાત નથી, પણ જીવનમાં ઊતારવો મોટી વાત છે.
લખતાં-લખતાં ભગવાન જાણે કૃપા કરતા હોય તેમ મને ઘણીવાર લાગ્યું છે. લખતી વખતે એક અદ્ભુત ગ્રન્થ “અરિહાણ સ્તોત્ર’ (વજ્રસ્વામી
શિષ્ય ભદ્રગુપ્તસૂરિ રચિત) હાથમાં આવ્યો.
પ્રારંભમાં ભલે આપણે જીવનમાં ઉતારી ન શકીએ, પણ આપણા પૂર્વાચાર્યોએ ધ્યાનમાં કેટલા ઊંડા ઉતરેલા હશે? એ તરફ આપણો બહુમાનભાવ જો જાગે તો ય કામ થઈ જાય. કુલ ચાર લાખથી પણ અધિક ધ્યાનના ભેદ થશે. આ બધા જ ધ્યાનના ભેદોમાંથી અરિહંતો પસાર થયેલા હોય છે.
આજે સાધુ-સાધ્વીજીના જીવનમાં ધ્યાનની ખૂબ જ જરૂર છે. ઉપમિતિમાં કહ્યું : દ્વાદશાંગીનો સાર શું? “લળફળજ્ઞઽઠ્ઠ દ્વ્રૂળણ્રૂળજ્ઞર્ઉીંં&’ એટલે કે દ્વાદશાંગીનો સાર સુનિર્મળ ધ્યાન છે. એમ સિદ્ધર્ષિએ લખ્યું છે. (557મી ગાથા ઉપમિતિ સારોદ્ધાર – પ્રસ્તાવ-8.)
મૂળ – ઉત્તર ગુણ વગેરે બધું જ બાહ્ય ક્રિયાઓ છે, ધ્યાનયોગને નિર્મળ બનાવવા સહાયક છે. મુખ્ય કાર્ય ધ્યાન છે. કર્મક્ષય આપણું ધ્યેય છે. એ ધ્યેય ધ્યાનથી જ સિદ્ધ થાય.
ધ્યાનની સિદ્ધિ મેળવવી હોય તો સૌપ્રથમ ચિત્તની પ્રસન્નતા જોઈએ. કર્મનો સંપૂર્ણ ક્ષય અને આત્મશુદ્ધિની સંપૂર્ણ અભિવ્યક્તિ બન્ને સાથે જ થાય છે. આના માટે ધ્યાન જોઈએ. ધ્યાન માટે પ્રસાદ જોઈએ. પ્રસન્નતા માટે મૈત્રી આદિ ભાવો જોઈએ. પાતંજલ યોગદર્શનમાં પણ પ્રથમ યમ-નિયમ લીધેલા છે. ત્યારપછી ધ્યાન આવે છે. આપણે શુક્લ ધ્યાનમાં જ સમાધિ સમાવિષ્ટ કરી છે. ધ્યાનથી સમાધિ અલગ નથી આપી.
આ ગ્રન્થમાં સંપૂર્ણ વિશ્વના ધ્યાનના પ્રકારો આવી જાય છે.
સભા : પ્રસાદ એટલે?
પૂજ્યશ્રી : પ્રસાદ એટલે ચિત્તની પ્રસન્નતા.
ચિત્તની ત્રણ અવસ્થા છે : નિર્મળતા, પછી સ્થિરતા, ત્યાર પછી તન્મયતા.
જૈનશાસનમાં પ્રથમ નિર્મળતા છે. એટલે જ અહિંસા આદિને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. એનાથી નિર્મળતા મળે છે. નિર્મળતા એટલે જ પ્રસન્નતા.
પ્રીતિ-ભક્તિ-વચન-અસંગમાંથી કયા પ્રકારનું તમારું અનુષ્ઠાન છે, તે પણ જોવું જરૂરી છે.
- ધ્યાનના મુખ્ય 24 પ્રકાર આ ગાથામાં બતાવ્યા છે. ધ્યાનથી ધર્મધ્યાન લેવાનું છે. ધર્મધ્યાનમાં આજ્ઞાવિચય ધ્યાન સૌ પ્રથમ આવે છે.
પ્રભુ-આજ્ઞાના ચિંતનથી ધર્મધ્યાનનો પ્રારંભ થાય છે. ધ્યાન વિશિષ્ટ કોટિનું બને ત્યારે પરમધ્યાન બને, જે શુક્લધ્યાનના અંશરૂપ બને છે.
- દ્રવ્યથી આર્ત્ત-રૌદ્ર, ભાવથી ધર્મ-શુક્લ ધ્યાન છે. દ્રવ્યનો અર્થ અહીં કારણ નથી કરવાનો, બાહ્ય કરવાનો છે. એટલે જ પ્રથમ આર્ત્ત-રૌદ્ર ધ્યાનનું વર્ણન કરશે. અનાદિકાળથી એમાં જ મન અટવાયેલું છે,તેમાંથી પ્રથમ મુક્ત કરવાનું છે.
- આર્ત્ત-ધ્યાન માત્ર પોતાની પીડાના વિચારમાંથી થાય છે. એની જગ્યાએ (શુભનું) બીજાનું ધ્યાન, વિચાર કરો તો એ ધ્યાન ધર્મધ્યાન બની જાય.
- तत्र ध्यानं चिन्ता-भावनापूर्वकः स्थिरोऽध्यवसायः।
- ભગવાનના શરણાર્થી આપણે છીએ, ભગવાનને આપણે નાથ તરીકે સ્વીકાર્યા તો યોગ-ક્ષેમની ભગવાનની જવાબદારી છે. આપણે ધ્યાનના અધિકારી ન હોઈએ તો ધંધામાં ડૂબેલા ગૃહસ્થો અધિકારી બનશે?
મનને એટલું વ્યગ્ર બનાવીએ છીએ કે ધ્યાનની વાત દૂર, ચિંતન પણ કરી શકતા નથી. એટલી બધી જવાબદારીઓ લઈને ફરીએ છીએ.
- અહીં વ્યક્તરૂપે મંગળ આદિ ન હોવા છતાં અવ્યક્તરૂપે મંગળ છે જ. ધ્યાનના અધિકારીનો પણ નિર્દેશ કર્યો જ છે. ચતુર્વિધ સંઘનો યોગ્ય સભ્ય ધ્યાનનો અધિકારી છે.
ત્રણ ચીજ વિના લાડુ ન બને, તેમ રત્નત્રયી વિના ધ્યાન ન મળે. ચિંતામાં જ્ઞાન-દર્શન અને ભાવનામાં ચારિત્ર આવી ગયા છે.આર્ત્ત-રૌદ્ર ધ્યાન પણ આ જ રીતે બને છે. માત્ર ત્યાં મિથ્યાદર્શનાદિ ત્રણ પડેલા છે. અનાદિના અભ્યાસથી તે સહજ રીતે થઈ જાય છે.
- દ્રવ્યથી આર્ત્ત-રૌદ્ર ધ્યાન છે. ભાવથી આજ્ઞા વિચયાદિ ધર્મધ્યાન કહેવાય. એનો જ અહીં અધિકાર છે. પ્રારંભમાં આવું (આજ્ઞા-વિચયાદિ સ્વરૂપ) ધર્મધ્યાન પણ આવી જાય તો ય કામ થઈ જાય. ધર્મ-શુક્લ ધ્યાન ન ધ્યાઈએ તો અતિચાર લાગે છે. જે રોજ આપણે બોલીએ છીએ. આપણે એથી ઊલ્ટું જ કરીએ છીએ. નિષિદ્ધ કરીએ છીએ, વિહિત છોડીએ છીએ. પછી જીત શી રીતે મળે?
એની (ધ્યાનની) કળા જાણવાથી 24 કલાક ચિત્ત ધર્મ-ધ્યાનમાં રહે. ભાવનાઓથી ભાવિત બનાવવાથી આવું બની શકે. ધર્મધ્યાનમાંથી ચિત્ત નીચે આવતાં (કારણ કે અન્તર્મુહૂર્ત્તથી વધુ ચિત્ત એક ધ્યાનમાં રહી ન શકે.) ફરી ચિન્તા-ભાવનાનો ફોર્સ આપવાનો છે. આ પ્રમાણે પુનઃ પુનઃ દીર્ઘકાળ સુધી કરવાનું છે.
એકવાર પણ એનો આસ્વાદ મળશે તો કદી ભૂલી નહિ શકો. રસગુલ્લા ખાધા પછી તેનો આસ્વાદ ભૂલાઈ જાય? પાંચેય ઈન્દ્રિયોના આસ્વાદમાં આપણે ઠગાઈ જઈને, આત્માના સ્વાદથી દૂર રહી જઈએ છીએ.
આત્માને તો પરમાત્મા દ્વારા જ આનંદ આવી શકે, એ જ એના સજાતીય છે. 24 કલાક પ્રભુ-મુદ્રા પ્રસન્ન છે. એમનું નામ લેતાં, ભક્તિ કરતાં મન આનંદથી ઊભરાઈ જાય. એમનું નામ-મૂર્તિ વગેરેના આલંબનથી પણ ધ્યાનની ભૂમિકા તૈયાર થઈ જાય. ધ્યાન પૂર્વે ચિત્તને જો નિર્મળ ન બનાવીએ તો ધ્યાનનો અધિકાર મળી શકતો નથી. મન તો આમેય માંકડું છે. એમાંય મોહનો દારૂ પીધો હોય તો પછી પૂછવું જ શું? દોડતા મનને સ્વાધ્યાયમાં ભાવના (ભાવનાનો અર્થ અભ્યાસ થાય. અભ્યાસ એટલે પુનઃ પુનઃ પ્રવૃત્તિ. દા.ત. જ્ઞાનાભ્યાસ, દર્શનાભ્યાસ વગેરે.) માં જોડવાનું છે.
સંસારના દુઃખોનું ચિંતન પણ મનને સ્થિર કરે છે. અનંત ભવ ભ્રમણ પરનું ચિંતન પણ એક અનુપ્રેક્ષા છે.
- ક્ષમા આદિ ચાર ગુણો (જેને 4 કષાયો રોકી રાખે છે.) ઉત્તમોત્તમ ક્યારે હોય? ઉત્તમ ક્ષાન્તિ આદિ પેદા થાય ત્યારે જ શુક્લધ્યાનના મંડાણ થાય.
યોગશાસ્ત્રના 4થા પ્રકાશમાં માર્ગાનુસારી, સમ્યક્ત્વ, દેશવિરતિ વગેરે બતાવીને ઈન્દ્રિય-કષાય મન વગેરેના જય પર ખાસ ભાર મૂક્યો છે.
વીર્ય શક્તિ પ્રબળ તેટલું ધ્યાન પ્રબળ! વીર્યશક્તિને પ્રબળ બનાવવા જ જ્ઞાનાચારાદિ છે.
ધ્યાન માટે જ્ઞાન અને ક્રિયા બન્ને શક્તિ વિકસિત કરવી જોઈએ. એકાંગી વિકાસ ધ્યાન માટેની પૃષ્ઠ ભૂમિકા ન બની શકે.
“હેમ પરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન તાપ;
જ્ઞાનદશા તિમ પરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપ.’
– ઉપા. યશોવિજયજી.
સાચો ધ્યાની ક્રિયાને છોડે તો નહિ જ, પણ તેને વિશિષ્ટ પ્રકારની બનાવી દે. સાચા ધ્યાનીની બધી જ ક્રિયાઓ ચિન્મયી હોય છે. એટલે કે ધ્યાનના પ્રકાશથી આલોકિત હોય છે. એ ક્રિયાઓ ધ્યાનથી વિપરીત નહિ, પણ ધ્યાનને વધુ પુષ્ટ બનાવનારી બને છે.
છેલ્લે એક વાત કહી દઉં : ખોવાયેલા આત્માને શોધવો હોય તો જેમણે એ આત્માને મેળવી લીધો છે એવા ભગવાનના ખોળામાં બેસી જાવ. ભગવાનને સૌ પ્રથમ પકડો. માટે જ ધ્યાનમાં સર્વ પ્રથમ આજ્ઞાવિચય ધ્યાન છે. પ્રભુની આજ્ઞા આવી ત્યાં ભગવાન આવી જ ગયા. ભગવાનનું ધ્યાન તે નિશ્ચયથી આપણું જ ધ્યાન છે.
“જેહ ધ્યાન અરિહંત કું, સોહી આતમ ધ્યાન;
ભેદ કછુ ઈણમેં નહીં, એહિ જ પરમ નિધાન.’
ધ્યાનની બહુ આંટીઘુંટીમાં જવા ન ઈચ્છતા હો તો એક માત્ર પ્રભુને પકડી લેજો. બધું જ પકડાઈ જશે.
(કહે કલાપૂર્ણસૂરિ)