હું શરીર નથી.
હું ઈન્દ્રિય નથી.
હું મન પણ નથી.
વાણીથી તરંગિત થનારો પણ હું નથી કે વિચારોથી તરલ રહેનારો પણ હું નથી.
છલ-પ્રપંચ કે કાવાદાવામાં રાચવું એ પણ મારું સ્વરૂપ નથી.
ગુસ્સો, ઘમંડ કે લાલચમાં તણાઈ જવું એ પણ મારી શુદ્ધતા નથી.
સંયોગોમાં ઓળઘોળ બની જવું એ પણ મારી આંતરિક સ્થિતિ નથી.
અને વિષમતાઓમાં વ્યાકુળ બની જવું એ પણ મારી સહજ પ્રકૃતિ નથી.
વિપરીત માન્યતાના શિકાર બની જવું કે પછી પોતાની સાચી માન્યતાના,
કદાગ્રહી બની જવું એ પણ મારી સાચી વાસ્તવિકતા નથી.
જો આમાંની
કોઈ જ ચીજ હું નથી,
તો પછી
હું છું કોણ?
જિજ્ઞાસા થયા બાદ અંતરખોજથી અંતરસ્ફુરણા
પોતાને સાચી દિશા તરફ દોરવી જાય છે.
હું છું ‘શુદ્ધ આત્મા’
જ્ઞાનથી છલોછલ અને આનંદથી ભરપૂર.
દુઃખની રેખાઓથી અને સુખના વિસ્મયથી
બિલકુલ ચલિત ન થનારો સ્થિતપ્રજ્ઞ આત્મા.
સંયોગોમાં અસંગતાનો ધારક.
અને વિયોગોમાં પણ સમતાનો ધારક.
સાચી સમજણ, સત્યની શ્રદ્ધા
અને સચ્ચારિત્રનિષ્ઠા
એ મારો સહજ સ્વભાવ છે.
મારું સ્વરૂપ છે –
શુદ્ધ ચૈતન્ય અને પૂર્ણ ઉદાસીનભાવ.
એટલે કે,
બધું જાણવું અને છતાં બધા વિશે મૌન રહેવું,
બધાની વચ્ચે રહેવું અને છતાંય બધાથી નિર્લેપ રહેવું.
વિકલ્પોના ચંચલ તરંગો વચ્ચે પણ
પોતાની સ્થિતપ્રજ્ઞતા અચલ જાળવી રાખવી.
બહારની ચડતીપડતીમાં પણ
અંદરમાં કોઈ જ ચહલપહલ ન થવા દેવી.
આ જ છે વિશ્વ-શક્તિઓ પર
આત્મસામ્રાજ્યનો પ્રભાવક વ્યાપ.
જીવ જ્યારે જડ સાથે ઓળઘોળ બને,
ત્યારે તે ગુલામી સેવે છે.
અને જ્યારે તે જડ પ્રત્યે ઉદાસીનતા ધરાવે,
ત્યારે તે પૂર્ણ સ્વાધીનતા ભોગવે છે.
જડ જગતનો જીવ પર પ્રભાવ
એ આત્માની સાંસારિક સ્થિતિ છે.
બહારની ઘટનાઓથી જો હું પ્રભાવિત ન થાઉં
તો મારું પ્રભાવક સામ્રાજ્ય આપમેળે મહોરી ઊઠે.
હું આવો શુદ્ધ સ્વરૂપી છું,
માટે, મારી તમામ વૃત્તિઓનું લક્ષ્યબિંદુ
કેવળ “શુદ્ધ સ્વરૂપ’ હોવું ઘટે.
મારી બધી પ્રવૃત્તિઓ પણ
હું જે નથી એ માટે નહીં,
પણ હું જે છું એ માટે મારે કરવાની છે.1
આ રસ્તે આગળ વધાય તો જ
શબ્દાતીત સુખની અનુભૂતિ સુધી પહોંચી શકાય અને
તો જ શાશ્વતીનો લય અને ચિત્તપ્રસાદ પામી શકાય.
1. व्यवहारोऽपि गुणकृद् भावोपष्टंभतो भवेत्,
सर्वथा भावहीनस्तु, स ज्ञेयो भववृद्धिकृत्।।
- વૈરાગ્યકલ્પલતા - સ્તબક 9, 1018