હે પ્રભુ!
શુદ્ધ ચૈતન્યની
પરિશુદ્ધ હયાતી
એટલે તું.
જે ચૈતન્યથી જુદું છે, એનાથી તું
સર્વથા ભિન્ન છે.
જે આનંદથી જુદું છે, એનાથી તું
અત્યંત વેગળો છે.
જે અસ્તિત્વથી જુંદું છે, એનાથી તું
સાવ ન્યારો છે.
જે પણ જુદું છે,
એનાથી તું જુદો છે.
જુદાઓથી જુદાઈ એ પણ
તારી ખુદાઈની સંપૂર્ણતા છે.
પ્રભુ! હું અપૂર્ણ છું.
કેમ કે
જુદાની ભેગો ભળેલો છું.
તારું અચિન્ત્ય આલંબન મારામાં
જુદાઓથી જુદાઈ કેળવવાનું
અને ઉન્મુક્ત ખુદાઈને ખીલવવાનું
બળ રેડ્યા કરે!
એ જ
સમર્પિત અસ્તિત્વની અભ્યર્થના…