વસ્તુનો યથાર્થ નિર્ણય હેતુ, સ્વરૂપ અને એના ફળની વિચારણાથી થાય છે.
જેમકે એક આત્મતત્ત્વ લઈએ. તેનો યથાર્થ નિર્ણય કરવો હોય તો
તેમાં હેતુ-સ્વરૂપ અને ફળની વિચારણા કરવી પડે.
તેના વિના પદાર્થનો યથાર્થ નિર્ણય થઈ શકતો નથી.
એક આત્મતત્ત્વનો નિર્ણય કરવો હોય તો આત્મા અતીન્દ્રિય પદાર્થ છે. ચર્મચક્ષુથી ગ્રાહ્ય નથી તેથી તેની સિદ્ધિ માટે જે યુક્તિઓ આપવામાં આવે તે હેતુ છે. બુદ્ધિમાન પુરુષો કોઈપણ વાતને એમ ને એમ સ્વીકારતા નથી. તે દરેક બાબતમાં હેતુ માંગે છે. વસ્તુની સિદ્ધિ માટે સમ્યગ્ હેતુ આપવાથી તેની બુદ્ધિ સંતોષાય છે અને તેથી તે વાત તેને ગ્રાહ્ય બને છે.
જેમ તત્ત્વના નિર્ણય માટે હેતુ જરૂરી છે, તેમ તે તત્ત્વનું સ્વરૂપ શું છે? તે પણ જાણવું જરૂરી છે.
જ્યાં સુધી વસ્તુના સ્વરૂપનો ખ્યાલ ન હોય ત્યાં સુધી તે પદાર્થનો વાસ્તવિક બોધ થતો નથી જેમ કે આત્મતત્ત્વના નિર્ણય માટે આત્માનું સ્વરૂપ શું છે? એમ કોઈ પૂછે તો કહી શકાય કે આત્મા જડ નથી. ચેતન છે, જ્ઞાન-દર્શન સ્વરૂપવાળો છે. તેના એક એક પ્રદેશે અનંત અનંત જ્ઞાન રહેલું છે, જે લોકાલોક પ્રકાશક છે. જ્યાં જ્ઞાન છે. ત્યાં જ બીજા અનંત અનંત ગુણો પણ રહેલા છે. દરેક ગુણને બીજા અનંત ગુણની સહાય છે.
જ્ઞાનગુણ દરેક ગુણમાં વ્યાપેલો છે માટે દરેક ગુણમાંથી અનંત આનંદ અનુભવાય છે અને આવા અનંતગુણોમાંથી એકીસાથે અનુભવાતો અનંત આનંદ એ આત્માનું સ્વરૂપ છે.
આવા સ્વરૂપવાળો આત્મા વર્તમાનમાં કર્મના યોગે દબાયેલો છે. તેના એક એક પ્રદેશ પર અનંતી કાર્મણવર્ગણા કર્મરૂપે પરિણમીને રહેલી છે, જેથી જીવનું જ્ઞાન દબાયું છે, અનંત જ્ઞાન પામવા પડે છે જ્ઞાન વિકૃત થયું છે, તેમ જ અનંતગુણો પણ વિકૃત બનીને દોષરૂપ બન્યા છે. તેથી જ અજન્મા સ્વભાવવાળો આત્મા જન્મ કરવાના સ્વભાવવાળો અને અમર આત્મા મૃત્યુના સ્વભાવવાળો બન્યો છે.
વીતરાગી આત્મા રાગી-દ્વેષી બન્યો છે. અરૂપી અને અમૂર્તસ્વભાવી આત્મા રૂપી અને મૂર્ત બન્યો છે. આ આત્માની સંસારી અવસ્થા છે.
કર્મકૃત અવસ્થાના નાશ દ્વારા આત્માની મૂળભૂત અનંતજ્ઞાન અને અનંત આનંદમય અવસ્થાને પ્રાપ્ત કરવી એ ફળ છે. તે માટે જીવને સંસારમાં રાખનારા કારણો મિથ્યાત્વ, અવિરતિ અને કષાયનો નાશ કરી સમ્યક્ત્વ, વિરતિ અને ઉપશમભાવ પામવો પડે છે. તેના દ્વારા તે પોતે પોતાનું ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે છે.
આ રીતે હેતુ, સ્વરૂપ અને ફળના ભેદથી આત્મતત્ત્વનો નિર્ણય કરી શકાય છે, પરંતુ આ નિર્ણય યથાર્થ તો ત્યારે જ કહેવાય કે જ્યારે જીવ અવેદ્યસંવેદ્યપદનો ત્યાગ કરી વેદ્યસંવેદ્યપદને પામે.
અધ્યાત્મના માર્ગમાં માત્ર જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ક્ષયોપશમથી બુદ્ધિતત્ત્વના જોરે કરાયેલ નિર્ણય એ યથાર્થ નિર્ણય અને આખરી નિર્ણય હોતા નથી કારણ કે –
તત્ત્વનો નિર્ણય એ તત્ત્વના નિર્ણય માટે નથી પરંતુ દુઃખમુક્તિ માટે છે. જે તત્ત્વનિર્ણય થયા પછી જીવ દુઃખથી મુક્ત ન થાય તે તત્ત્વનિર્ણય વાસ્તવિક તત્ત્વનિર્ણય નથી.
માટે જ અભવ્યાદિના નવ નવ પૂર્વ સુધીનો તત્ત્વનો બોધ પણ વાસ્તવિક તત્ત્વનો બોધ કહેવાતો નથી. જે તત્ત્વનિર્ણય દ્વારા અંતરભેદ ન થાય, તે તત્ત્વનિર્ણય અધ્યાત્મની કોટિમાં આવી શકતો નથી. જેટલા અંશમાં અંતર ભેદાય, મોહની કઠોરતા, કર્કશતા અને કાલિમા નીકળે, અંતઃકરણ નિર્મળ બને, તેટલા અંશે જ તત્વનિર્ણય સાચો કહેવાય.
અવેદ્યસંવેદ્યપદના ત્યાગ દ્વારા જીવ જ્યારે વેદ્યસંવેદ્યપદને પામે છે, ત્યારે તત્ત્વનિર્ણય આત્મસ્પર્શી બને છે અને આવા આત્મસ્પર્શી તત્ત્વનિર્ણયને જ યોગદૃષ્ટિ-સમુચ્ચયના ગ્રંથકાર મહર્ષિ સૂક્ષ્મબોધ તરીકે ઓળખાવી રહ્યા છે. અભવ્યાદિ જીવોને નિરતિચાર ચારિત્રનું પાલન અને નવ નવ પૂર્વનો બોધ હોવા છતાં તેને સૂક્ષ્મબોધ કેમ નહિ? તેનું કારણ એક જ છે. તેનું ચારિત્રપાલન અને તેનો બોધ તેના અંતરને ભેદી શકતા નથી. અંતઃકરણને તેનો બોધ અડતો નથી. તેનો બોધ ઉપર ઉપરથી ચાલ્યો જાય છે, જે બીજા જીવોના હિતને માટે બની શકે છે પણ પોતાના હિતને માટે થતો નથી.
જ્ઞાનાવરણીયકર્મના તીવ્ર ક્ષયોપશમથી, માર્ગાનુસારી પ્રજ્ઞાના બળે, શાસ્ત્રોના તલસ્પર્શી અધ્યયનથી કોઈપણ તત્ત્વનો નિર્ણય હેતુ, સ્વરૂપ અને ફળના ભેદથી કરી શકાય છે અને તેમ કરતા જીવ જ્યારે ગ્રંથિભેદ કરી વેદ્યસંવેદ્યપદને પામે છે ત્યારે તે જ તત્ત્વનિર્ણય સૂક્ષ્મબોધને પામે છે. સૂક્ષ્મબોધ તે જ કહેવાય કે જે જીવને ભવસાગરથી પાર ઉતારે. આવા સૂક્ષ્મબોધ પછી આવતું ચારિત્ર જ ભાવચરિત્ર છે તે પહેલાનું ચારિત્ર બહારથી ગમે તેટલું ઊંચું હોય તો પણ તે દ્રવ્યચારિત્ર છે અને આવું (ભાવ)
ચારિત્ર જુદા જુદા ભવોની અપેક્ષાએ વધુમાં વધુ 7 થી 8 વાર સ્પર્શે ત્યારે જીવનો મોક્ષ થાય છે.