સંસાર રથનાં બે પૈડાં છે – સુખ અને દુઃખ.
પ્રત્યેક સંસારી સુખ મેળવવા પ્રયત્ન કરે છે અને દુઃખથી દૂર થવા મથે છે.
ધર્મરથના બે પાયા છે – ગુણ અને દોષ.
પ્રત્યેક ધર્મી ગુણોપાર્જન માટે ભગીરથ પ્રયત્નો કરે છે અને દોષથી દૂર ભાગવાની વેતરણમાં રહે છે.
સુખની પાછળ દોટ મૂકો ને દુઃખથી છુટકારો મેળવવાં ભરચક પ્રયત્નો કરો આને અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ કહેવાય.
કિંતુ, ગુણાર્જન માટેનાં ધરખમ પ્રયાસો અને દોષમુક્તિની તીવ્ર તલપ સાથે કઠીન પ્રયત્નો આને ધર્મપુરુષાર્થ કહેવાય.
પરંતુ મોક્ષ પુરુષાર્થ એટલે શું?
વિચાર કરતાં એમ લાગે છે કે અધ્યાત્મ જગતનાં આધ્યાત્મિક પ્રયત્નો તે મોક્ષપુરુષાર્થ. જેમાં વિભાવ-સ્વભાવ, બહિરાત્મ-અંતરાત્મદશા, આૈદયિક-ક્ષાયોપશમિક ભાવો વચ્ચે વિવેકનું જ્ઞાન કરવા, એની ભાવના કરવા અને એનો જ ધ્યાનાનુભવ કરવા માટેનો તીવ્ર આધ્યાત્મિક-આંતરિક પ્રયત્ન કરવામાં આવે તેને મોક્ષપુરુષાર્થ કહીએ.
આરીસા ભવનમાં બેઠા બેઠા ભરતચક્રવર્તીને જે કેવલજ્ઞાન થઈ ગયું, તેને મોક્ષપુરુષાર્થ કહી શકાય, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, ગુણશ્રેણિ, અપ્રમત્તતા, વિરતિલાભ, ગ્રંથિભેદ, યથાપ્રવૃત્તકરણ આ બધી જ આંતરિક પ્રયત્નોની પરંપરાને મોક્ષ પુરુષાર્થ કહી શકાય, શૈલેશીકરણ, શુક્લધ્યાનના ચાર પાયાનું ધ્યાન આ બધું જ મોક્ષ પુરુષાર્થ રૂપ કહેવાય.
અસ્તુ, અત્યારે ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થના તફાવત પર વિચારણા નથી કરવી પરંતુ એક અલગ વિષય પર વિચારણા કરવી છે –
જેઓ અધ્યાત્મનાં અવગાહનમાં નિશ્ચયનાં ચિંતવનમાં નિરંતર મગ્ન હોય છે, તેમનાં મનમાં સૂક્ષ્મ વિવેચક શક્તિ પ્રગટી જાય છે અને એ વિવેક શક્તિના સહારે તેઓ દ્રવ્યાનુયોગનાં અવગાહન કરનારા શ્રુત મહર્ષિઓ અનેક નિર્ણયો જે કરે છે, એમાંથી તેમને ચાર નિર્ણય એ થાય છે, કે –
1) દુઃખ હોવું એ અલગ વાત છે, દુઃખી હોવું એ અલગ વાત છે.
2) સુખ હોવું એ અલગ વાત છે, સુખી હોવું એ અલગ વાત છે.
3) દોષ હોવો અલગ વાત છે, દોષી હોવું અલગ વાત છે.
4) ગુણ હોવાં અલગ વાત છે, ગુણી હોવું અલગ વાત છે.
આ ચારેય મુદ્દાને અનુપ્રેક્ષાના માધ્યમે વિચારીએ- દુઃખ હોવું અલગ અને દુઃખી હોવું અલગ. કર્મગ્રંથના પરિપ્રેક્ષ્યથી જોઈએ, તો દુઃખ આવે છે અઘાતીકર્મના ઉદયથી અને દુઃખી થવાય છે ઘાતીકર્મના ઉદયથી.
એમાંય ખાસ કરીને જોવા જઈએ, તો દુઃખ આવે છે – અશાતા વેદનીય કર્મના ઉદયથી અને દુઃખી થવાય છે – અરતિમોહનીયના ઉદયથી…
દુનિયામાં જોવાં મળે છે ને, કે બધા જ દુઃખો જીવને દુઃખી નથી કરતા. ગર્ભવતી માતાને ગર્ભનું દુઃખ દુઃખી નથી કરતું. તો જ્ઞાની પરિણત મુનિને પરિષહ-ઉપસર્ગનું દુઃખ દુઃખી નથી કરતું.
ક્યારેક તો એવુંય બને છે કે સુખભર્યા સંસારમાં જે ઊણપ હોય, જ્યાં દુઃખ હોય, તે જ જીવને અખર્યા કરે છે અને એનાં આલંબને જીવ અરતિમોહનીયનો ઉદય-ઉદીરણા પામીને દુઃખી થયા કરે છે.
તો ક્યારેક એવુંય બને છે કે હજાર દુઃખોની વચ્ચે છુપાયેલા એક નાના નજીવા સુખના આલંબને જીવ રતિ-મોહનીયના ઉદય-ઉદીરણા પામીને સુખની અનુભૂતિ કરે છે.
આખરે, સુખ હોવું અને સુખી હોવું આ બન્નેય આત્માની વિભાવદશા જ છે. આત્માને આ બન્નેમાંથી કશુંય લાભકારક નથી. આત્મા આ બન્નેમાંથી કશેય વિશ્રામ કરી શકતો નથી. કારણ કે આ આત્માનું ખુદનું ઘર નથી. ભાડાનું મકાન છે. એ સારું હોય કે ખરાબ, સમય થાય, એટલે ખાલી કરવાનું જ છે. દુઃખ પણ સમય ગયે ચાલ્યું જવાનું, ને દુઃખીપણું પણ સમય ગયે વહી જવાનું.
પણ આનાં પરથી એટલું જ નિશ્ચિત રીતે કહી શકાય કે દુઃખ આખી વસ્તુ અલગ છે અને દુઃખીપણું આખી વસ્તુ જ અલગ છે.
બીજો મુદ્દો જોઈએ :-
સુખ અલગ છે, સુખી હોવું અલગ છે.
સુખ આવે છે અઘાતી કર્મનાં ઉદયથી… એમાંય ખાસ કરીને શાતા વેદનીયના ઉદયથી. અને સુખીપણું આવે છે… ઘાતી કર્મનાં ઉદયથી અને મુખ્યત્વે તેમાંય રતિમોહનીય કર્મનાં ઉદયથી.
સુખી હોવું અલગ વસ્તુ છે. એ આૈદયિક ભાવ છે – માણસ ક્યારેક ખૂબ શાંત-સમાધિમાં મગ્ન-સુખી-ઉપશમરસમગ્ન-ધ્યાનમગ્ન દેખાય, ત્યારે એમ ન સમજવું કે એ આત્મસુખમાં લીન છે. એ તો મોહનીયના ઉદયથી જનિત સુખ પણ હોય…
બગલો દોઢ ટાંગે ઊભો રહીને જે ધ્યાન ધરે છે, એ શુભધ્યાન નથી. ચારે બાજુથી બધું જ અનુકૂળ હોય, એરકંડિશન્ડ હોલ, ડનલોપની ગાદી, કર્ણમધુર સંગીત, રંગબેરંગી પ્રકાશની રંગોળી, શારીરિક સ્વાસ્થ્ય.. આ બધી અનુકૂળતાઓની વચ્ચે પદ્માસનવાળી હાથ ટટ્ટાર કરીને આંખો મીંચી દો. તો ધ્યાન લાગી જાય ને! પણ એ ધ્યાન સાચું હોય, એની કોઈ ગેરન્ટી નહીં, જ્યારે પરિસ્થિતિ બદલાય. સૂરજનાં તડકાં તપે, કર્કશ શિલા હોય, કાનમાંથી કીડાં ખરે એવાં શબ્દો સાંભળવા મળે, વિરૂપ રૂપો જોવા મળે, શરીરમાં રોગ હોય, એ વખતેય ધ્યાન જેમનું તેમ લાગી જાય તો સમજવું કે આવેલું ધ્યાન સાચું હતું. ક્યારેક આપણે આપણાં ધ્યાનની આવી કસોટી કરવી જોઈએ, એમ નથી લાગતું?
ઈન્દ્રિયો એના વિષયોને ભોગવી લે, ત્યારે પણ તૃપ્તિ અને સુખની અનુભૂતિ થતી સૌ કોઈને અનુભવાય છે. આથી ઘણાં લોકો બિચારા એને જ ધ્યાન માની લે છે. અરે! હદ તો ત્યારે થાય છે જ્યારે અમુક લોકો ઈન્દ્રિય ભોગ-સંભોગને ધ્યાનની પૂર્વભૂમિકા સ્વરૂપે કહેવા લાગે છે.
અસ્તુ, સુખી હોવું અલગ છે, ધર્મી હોવું અલગ છે, ગુણી હોવું અલગ છે, જ્ઞાની હોવું અલગ છે અને મુનિ હોવું અલગ છે… જે દુર્લભ છે.
કહ્યું છે ને…
“પણ અજ્ઞાની આત્મા, ન થયો અંતર્મુખ અણગાર…’
આનાં પરથી નિશ્ચિત થયું, કે સુખ હોવું અલગ, સુખી હોવું અલગ અને સુખ, સુખી, દુઃખ, દુઃખી બધું જ હેય.
અચ્છા, તો હવે ગુણ-ગુણી, દોષ-દોષી માટે વિચારીએ.
અધ્યાત્મની વિચારણા કરતાં-કરતાં, નિશ્ચયની ગહન ગુફાઓમાં ઉન્મુક્ત સંચાર કરતાં કરતાં એટલું તો નિશ્ચિત થઈ જ જાય છે, કે દોષ હોવો, એ અલગ વાત છે અને દોષી હોવું એ’ય અલગ વાત છે.
આ વાત જરાક સૂક્ષ્મ સમજણ માંગી લે છે, સુખ અને સુખી, દુઃખ ને દુઃખી આ બન્ને તો અલગ છે, જુદા છે. પણ દોષ અને દોષી, બન્નેને અલગ શી રીતે માનવા?
દોષો તો બધા મુખ્યત્વે મોહનીય કર્મના વિપાક રૂપ છે – મોહનીય કર્મ સીધો જીવ ઉપર પોતાનો વિપાક દેખાડે છે – અર્થાત્ જેમ અશાતા વેદનીયના ઉદયથી શરીર બગડે છે તેમ મોહનીયના ઉદયથી આત્મા બગડે છે. અને બગડેલો આત્મા વિકૃત આત્મા એટલે જ દોષી. આથી એમ લાગે કે દોષ અને દોષી વચ્ચે કોઈ ફરક નથી, કશો ભેદ નથી. પરંતુ, અભેદ છે.
પરંતુ, જે અનુભવજ્ઞાનીઓ છે, તેઓ જાણે છે, તેઓ કહે છે, કે એવી ઘણી પરિસ્થિતિઓ મનઃસ્થિતિઓ પળો આવે છે, જ્યારે કષાય મોહનીયનો ઉદય થઈ ચૂક્યો હોવા છતાં સાધક એની ઉપેક્ષા કરીને એને ઓળંગી જાય છે.
અર્થાત્, દોષ આવે છે. પણ દોષી થતો નથી. સાધનાનો આ જ માર્ગ આચારાંગસૂત્રમાં પણ બતાવ્યો છે. “उदयपत्तस्स विफली करणेणं” અર્થાત, ઉદિત કષાયને નિષ્ફળ કરો…
વળી, આચારાંગસૂત્રની વૃત્તિમાં તો મહર્ષિ એક સુંદર વાત લખી દે છે – “सकृदपि नो कषायं कृत्वान्’ સાધના કાળ દરમ્યાન પ્રભુએ એક ક્ષણ પણ કષાય ન કર્યો.
આ વાત શી રીતે સત્ય લાગે? અને મહર્ષિની વાત અસત્ય ન જ હોય, પણ એનાં આશયને સમજવો પડે.
પ્રભુ છઠ્ઠે – 7મે ગુણઠાણે હતા. તો તેમને સંજ્વલન કષાય તો આવતા જ હતા ને! તો પછી વૃત્તિકારની વાત – ‘સાધના કાળમાં એક વાર પણ પ્રભુએ કષાય ન કર્યો.’ – એ શી રીતે સાર્થક બને?
પ્રભુને પણ દોષનો ઉદય તો થતો હશે, પણ પ્રભુ દોષી નહતા થયા. વાત આ હતી. આથી, દોષ હોવો એ અલગ વાત છે અને દોષી થવું એ અલગ વાત છે.
એક બીજું પણ સરસ દૃષ્ટાંત આ સંદર્ભમાં યાદ આવે છે. પરિણત સાધક જ્ઞાની મહાત્મા વિહાર કરતાં એક નગરીમાં પધાર્યા. એક ગૃહસ્થના ઘરે વહોરવા ગયા. ગૃહસ્થે તો તેમને પ્રથમ વાર જ જોયા હતા. તે છતાં તેમની ઉપર અંદર જ અંદરથી પ્રેમની ધારા ફુટ્યાં કરતી અને સામે પક્ષે મુનિરાજ અપ્રભાવિત હતા.
ગૃહસ્થને બન્ને પ્રશ્નો ઊભા થયા – “હું આટલો બધો ખેંચાઉં છું કેમ? અને તેઓ આટલા બધા નિર્લેપ કેમ?”
મુનિરાજ અવધિજ્ઞાની હતા. તેઓ તેમના વિચારો ઓળખી ગયા. અને તુર્ત જ તેમણે જવાબ આપ્યો. “આપણો સંબંધ અમુક ભવો જૂનો છે. આત્મા આત્માને ઓળખી લે છે. શરીર બદલાય, આત્મા એનો એ જ રહે છે. ગયા ભવમાં મારા આત્મા સાથે તમે મૈત્રી-પ્રેમ બાંધ્યાં હતાં. એ ઋણાનુબંધ આજે તમને મારા પ્રત્યે આકર્ષિત કરી રહ્યું છે.”
“… અને મને પણ ગયા ભવમાં તમારી સાથે સારો સંબંધ હતો, ઘણો સ્નેહ હતો. પણ દીક્ષા લઈને વૈરાગ્યની નિરંતર ભાવના કરવાને કારણે મારાં સ્નેહબંધનો બારીક થઈ ગયા છે, માટે મને તમાર પ્રત્યે આકર્ષણ નથી થતું.”
કેટલી સુંદર મજાની વાત? આત્મા છે. પણ સ્નેહ નથી. સ્નેહ પણ એક જાતનો વિકાર જ તો છે ને? આત્મા સહજ રીતે અન્ય આત્માનાં ઉત્થાનમાં, ઉદ્ધારમાં નિમિત્ત બને, પણ એની પાછળ કોઈ સ્નેહની લાગણી ન હોય. એ લાગણી સ્નેહ કરતાં બહુ મોટો ઘેરાવો ધરાવનારી હોય. અત્યંત સુવિશુદ્ધ લાગણી. વીતરાગ અવસ્થામાં તો એ’ય ન હોય.
પણ પેલાં પરિણતિમય મુનિરાજે પેલા ગૃહસ્થના મનની શંકાનું સમાધાન કર્યુ, એ પણ એમની અકારણવત્સલતા જ હતી એ સ્નેહની લાગણીનું એક્સ્ટ્રીમ પ્યાૅર સ્વરૂપ હતું. એ આત્માનો ઉદ્ધાર થાય.’ આ જ ભાવના “પરહિત ચિન્તા મૈત્રી’ આ મૈત્રી ભાવના. કોઈની સાથે સામેથી જોડાવા ન જાય, પણ કાયમ સર્વજીવોની સાથે જોડાયેલા જ હોય. “વસુધૈવ કુટુમ્બકમ્” આ ભાવ મનમાં રમતો હોય.
અસ્તુ, દોષ હોવો અલગ છે અને દોષી હોવું અલગ છે. સરોવરમાં પથરો પડે તો ઉપરની સપાટીમાં ચંચલતા હોવા છતાં નીચે નીચેની સપાટીઓ તો શાંત-પ્રશાંત જ હોય છે. આ વાતનો ઈશારો અમૃતવેલની સજ્ઝાયમાં મહોપાધ્યાયજી કરે છે – “કર્મથી કલ્પના ઉપજે, પવનથી જિમ જલધિ વેલ રે…”
ઉપરછલ્લી ચંચલતા એ કર્મના ઉદય રૂપ છે. એ દોષ છે… દોષનું આગમન-ઉદય છે. કર્મથી ઊઠેલી કલ્પના છે. પરંતુ, તે વખતે પણ ભીતરની સપાટી નિર્વિકલ્પ જ હોઈ શકે છે. એ ભીતરી સપાટી પણ જ્યારે બાહ્ય ચંચલતામાં રસ લઈને હચમચવા લાગે ત્યારે સુનામીનું પૂર તબાહી સર્જે છે. એ વખતે આત્મા દોષી બને છે.
બીજા અર્થમાં કહીયે, તો દોષ હોવો એ પરિણામ છે, દોષી હોવું, એ પરિણતિ છે… સંસ્કાર છે…
અસ્તુ, આ જ વાત ગુણ અને ગુણી વિશે પણ લાગુ પડશે.
સમકિત મોહનીયના ઉદય વખતે પણ ગુણ આવી શકે. પરંતુ એ ગુણનો કેટલો ભરોસો? એનાથી આત્માને ગુણી શી રીતે કહેવાય?
ક્ષયોપશમ ભાવથી પ્રગટેલાં જે ગુણ છે, શું એનાથી પણ આત્માને ગુણી માની શકાય?
આ સંદર્ભમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સૂરિજી ભગવંતે કહેલી એક વાત યાદ આવે છે. હાલમાં આપણી પાસે બે જ ગુણો-શક્તિઓ છે. એક ક્ષાયોપશમિક, બીજી આૈદયિક. આમાં આૈદયિક શક્તિઓ ભાડૂતી છે અને ક્ષાયોપશમિક શક્તિઓ અલ્પ છે-ઓછી, ઘણી ઓછી છે.
પૂજ્યશ્રી કહે છે, રાજાનો દીકરો-રાજકુમાર કોઈની પાસેથી ભાડૂતી સુટ લઈને પહેરે અને બહાર બધાને દેખાડે. એમાં એની મહત્તા છે? રાજા બિચારા કરુણ નજરથી જોયા કરે. આપણને આૈદયિક ભાવની શક્તિ પાછળ અભિમાન કરતાં જોઈને પરમાત્મા આમ જ દુઃખી થતાં હશે!
અને ક્ષાયોપશમિક ભાવ એટલે? રાજાનો દીકરો કોઈની પાસેથી કાંઈ માગે? અરે! એના ખજાનામાં કરોડોના હીરા-ઝવેરાત પડ્યા હોય, એ શું એક નાના અમથા નજીવારત્ન પાછળ પડીને આખી જિંદગી ખર્ચી નાખે!
ટૂંકમાં, આ બધાં ગુણો અલગ છે, અને ગુણી એવો આત્મા અલગ છે. આથી જ તો એક હદ પછી ક્ષાયોપક્ષમિક ભાવના ગુણોથી પણ સંન્યાસ લેવો એ જ્ઞાનસારમાં મહોપાધ્યાયજીએ દર્શાવ્યો જ છે ‘धर्मसंयासवान् भवेत’
આમ, આખી વિચારણા-અનુપ્રેક્ષાથી
આટલી વાતો નીકળી, કે
દોષ આવે, એટલે દોષી થઈ જ જવાય એવું નથી. આ દોષ સૂક્ષ્મ-આધ્યાત્મિક દોષ હોવા જોઈએ.
ગુણ અને ગુણી અલગ છે. માટે સાધકે જેમ ક્રિયાઓથી ભરોસામાં નથી રહેવાનું. તેમ ગુણોથી પણ વિશ્વાસમાં રહેવા જેવું નથી. જ્યાં સુધી ગુણી ન બનાય ત્યાં સુધી સાધના અધૂરી જ છે.
પરિણતગુણ-ગુણી બનીએ એ મંગલકામના.
“… અને મને પણ ગયા ભવમાં તમારી સાથે સારો સંબંધ હતો, ઘણો સ્નેહ હતો. પણ દીક્ષા લઈને વૈરાગ્યની નિરંતર ભાવના કરવાને કારણે મારાં સ્નેહબંધનો બારીક થઈ ગયા છે, માટે મને તમાર પ્રત્યે આકર્ષણ નથી થતું.”