આત્મદર્શનનો ક્રમ
વિપાકની વિરસતારૂપ દોષદર્શનજનિત વૈરાગ્ય એ અપર વૈરાગ્ય છે અને આત્માનુભવજન્ય દોષદર્શનરૂપ વૈરાગ્ય એ પર વૈરાગ્ય છે. વિષયોમાં ગમે તેટલા દોષ જોવામાં આવે પણ જ્યાં સુધી જીવને દેહાધ્યાસ છે, ત્યાં સુધી વિષયોનો અધ્યાસ પણ કાયમ રહે છે. એટલે જડ દેહમાં “અર્વૈટ્ટમ-પપટ્ટમ’ બુદ્ધિનો અંશ છે, ત્યાં સુધી જડ વિષયોમાં “અર્વૈટ્ટમ-પપટ્ટમ’ ટળતું નથી. વિષયોમાં દોષદર્શનજનિત વૈરાગ્ય વિષયોના
સંગથી દૂર રહેવા પૂરતું પ્રારંભિક આભ્યાસિક કાર્ય કરી આપે છે. તેટલા પૂરતી પ્રારંભ કાલે તેની અનિવાર્ય ઉપયોગિતા છે, કેમ કે વિષયના સંગમાં રહીને આત્માનુભૂતિનો અભ્યાસ અશક્ય છે, વિષયોમાં વિપાકકાલે થતા દોષોનું દર્શન વિષયોના સંગનો ત્યાગ કરાવી આત્માનુભૂતિના અભ્યાસમાં ઉપકારક થાય છે, તેથી તે વૈરાગ્યને શાસ્ત્રકારોએ પ્રથમ સ્થાન આપેલું છે. પરંતુ વિષયોનો બાહ્યસંગ છૂટ્યા પછી તેની આંતરિક આસક્તિ ટાળવા માટે આત્માનુભૂતિ સિવાય બીજો કોઈ ઉપાય નથી અને આત્માનુભૂતિવાળા પુરુષોની ભક્તિ સિવાય આત્માનુભૂતિ પણ નીપજતી નથી એટલે પ્રાથમિક વૈરાગ્ય, પછી અનુભૂતિમાન પુરુષો ઉપરની ભક્તિ, અને પછી આત્માનુભૂતિ એ ક્રમ છે. આત્માનુભૂતિ પછી ઉપજતી વિષયોની વિરક્તિ એ તાત્ત્વિક વિરક્તિ છે, કેમ કે પછી વિષયોની વિજાતીયતાનું પ્રત્યક્ષ ભાન થાય છે. કહ્યું છે કે –
विषया विनिवर्तन्ते, निराहारस्य देहिनः।
रस वर्जं रसोऽप्यस्य, परं दृष्ट्वा निवर्तते।।
ભક્તિ વડે આત્મદર્શન
આત્મદર્શનનો બીજો ઉપાય ભક્તિ છે. ભક્તિનો અર્થ સજાતીય તત્ત્વ સાથે એકત્વનું અનુભવન. સજાતીય તત્ત્વ સમગ્રજીવરાશિ છે, તેની સાથે એકત્વનું અનુભવન મૈત્ર્યાદિ ભાવો વડે થાય છે. તેથી તે મૈત્ર્યાદિ ભાવોનો અભ્યાસ એ ભક્તિનો અભ્યાસ છે. તે અભ્યાસ તેના પરિપાક કાળે રાગ-દ્વેષની વૃત્તિઓથી દૂર હટાવી સમત્વની સિદ્ધિ કરી આપે છે. સમત્વવાન પુરુષને પોતાના આત્મામાં જ પરમાત્મસ્વરૂપનું દર્શન થાય છે. કહ્યું છે કે –
रागादिध्वान्तविध्वंसे, कृते सामायिकांशुना।
स्वस्मिन् स्वरूपं पश्यन्ति, योगिनः परमात्मनः।।
“પરમ’નું સ્વરૂપ જોયા બાદ વિષયો પ્રત્યેની અંતરંગ આસક્તિ ચાલી જાય છે, તેનું જ નામ પર વૈરાગ્ય છે. અપર વૈરાગ્ય આદિમ કારણ છે, પર વૈરાગ્ય અંતિમ ફળ છે. તેનો હેતુ આત્માનુભૂતિ અને આત્માનુભૂતિનો હેતુ ભક્તિ છે. ભક્તિ વડે ઈર્ષ્યા-અસૂયાદિ ઉપક્લેશો જાય છે અને વિરક્તિ વડે રાગ-દ્વેષાદિ વૃત્તિઓ ટળે છે. રાગ-દ્વેષાદિનું મૂળ ક્લેશ છે. તેને ટાળવા માટે આત્મદર્શનજનિત પર વૈરાગ્ય આવશ્યક છે.
અભિષ્વંગને અયોગ્ય એવા વિષયો પર અભિષ્વંગ કરવો તે રાગ છે.૧ માત્સર્યને અયોગ્ય એવા જીવો પર માત્સર્યભાવ કરવો, તે દ્વેષ છે. તે અગ્નિજ્વાલાની જેમ સંતાપ ઉપજાવનારો છે.૨ જીવો પ્રત્યે મૈત્ર્યાદિ ભાવોના અભ્યાસથી દ્વેષ જાય છે અને વિષયો પ્રત્યે વિરક્તિના અભ્યાસથી રાગ જાય છે. વિવેકજ્ઞાનને આવરનાર મોહ છે. વિષયો વિનશ્વર છે, આત્મા અવિનાશી છે. વિષયોના સંગથી આસક્તિ વધે છે અને આત્માના ધ્યાનથી વિરક્તિ પેદા થાય છે, તત્ત્વનો અવબોધ ન થવા દેવો, તે મોહનું કાર્ય છે.૩ તે રીતે રાગ-દ્વેષ અને મોહની વૃત્તિઓનું નિવારણ ભક્તિથી થાય છે.
ભક્તિ વડે આત્મગુણોની તુષ્ટિ-પુષ્ટિ
દોષો જેમ ટળતા જાય છે, તેમ આત્માનંદ વધતો જાય છે અને અનુભવ પૂર્ણ થતાંની સાથે જ વિષયોની ભૂખ ભાંગી જાય છે. માટે જ કહ્યું છે કે જેમ ભોજન વડે તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધાની નિવૃત્તિ એ ત્રણે કાર્ય સાથે જ થાય છે, તેમ પ્રભુના નામ મંત્રરૂપી આૈષધિ વડે પણ ભક્તિરૂપી તુષ્ટિ, આત્માનુભૂતિરૂપી પુષ્ટિ અને વિષયોની વિરક્તિરૂપી ક્ષુધાની નિવૃત્તિ એક સાથે થાય છે. શારીરિક ક્ષુધાનિવૃત્તિ માટે જેટલી જરૂર આદરપૂર્વકના ભોજનની છે, તેટલી જ વાસનારૂપી ક્ષુધાના નિવારણ માટે આદરપૂર્વક પ્રભુના નામ મંત્રની છે. પ્રભુ નામનું ગ્રહણ એ આધ્યાત્મિક આહાર છે, નિર્બળ આત્માને બળવાન બનાવનાર છે. વાસનારૂપી માનસિક રોગોના કારણે જીવે પોતાનું શુદ્ધબળ ગુમાવ્યું છે અને નિર્બળ બન્યો છે. તે નિર્બળતા પથ્ય ભોજન વડે દૂર થઈ શકે તેમ છે. માનસિક પથ્ય ભોજન પ્રભુનામમંત્રનું શબ્દથી અને અર્થથી ગ્રહણ કરવું તે છે. તે વડે ભક્તિ, આત્માનુભૂતિ અને વિષયવિરક્તિરૂપી તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધાનિવૃત્તિ સધાય છે. વિષયોની વાસનાઓથી ક્રોધાદિ કષાયોની ઉત્પત્તિ થાય છે અને ક્રોધાદિ કષાયોના પુનઃ પુનઃ સેવનથી આત્માની મૂળ કાયા ક્ષીણતાને પામે છે. તે ક્ષીણતાને દૂર કરવાનો ઉપાય પથ્યભોજનની જેમ પ્રભુના નામમંત્રનું સ્મરણ આદિ છે અને કુપથ્ય વર્જનની જેમ વિષયોના સંગનો ત્યાગ વગેરે છે. વિષયોથી દૂર રહી પ્રભુસ્મરણ આદિમાં સમય પસાર કરવામાં આવે તો આત્મગુણોની તુષ્ટિ-પુષ્ટિ અવશ્ય થાય છે, એવો સર્વ મહાપુરુષોનો અનુભવ છે.
(ધર્મચિંતન)
——————
૧. अविषयेऽभिष्वंगकरणाद्रागः।
૨. तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनाद्द्वेषः।
૩. हेयेतरभावाधिगमप्रतिबन्धविधानान्मोहः। - ધર્મબિંદુ.